ઑક્ટોબર મહિનાના અંતમાં રિલીઝ થનારી ‘1080 – ધ લેગસી ઑફ મહાવીર’ ફિલ્મનો શ્વેતાંબર જૈન સમાજ જબરદસ્ત વિરોધ કરી રહ્યો છે. ગઈ કાલે હ્યુમન રાઇટ્સ કમિશનમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને કમિશન દ્વારા ફિલ્મની સામે ગઈ કાલ સુધીનો સ્ટે આપવામાં આવ્યો હતો. ગઈ કાલની સુનાવણીમાં હવે પછીની સુનાવણીની તારીખ ૨૨ ડિસેમ્બરની આપવામાં આવી હતી. આ દરમિયાન આ ફિલ્મનો વિરોધ દેશભરના જૈન સમાજમાં અને સોશ્યલ મીડિયા પર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના અમદાવાદમાં તો આ ફિલ્મની વિરુદ્ધમાં જૈન સમાજે રોડ પર ઊતરવાની તૈયારી કરી લીધી છે.
શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન અને અન્ય શ્વેતાંબર જૈન સમાજ મુખ્યત્વે આ પિક્ચરમાં ભગવાન શ્રી મહાવીરસ્વામી પ્રભુ, ગણધર ભગવંતો અને પૂજ્ય સાધુભગવંતોનાં પાત્રો ઍક્ટરો દ્વારા ભજવવામાં આવી રહ્યાં છે એની સામે જબરદસ્ત વિરોધ કરી રહ્યાં છે. આ ફિલ્મ રિલીઝ થતી રોકવા માટે મુંબઈ જૈન સંઘ સંગઠન હ્યુમન રાઇટ્સ કમિશનમાં ગયું હતું. હ્યુમન રાઇટ્સ કમિશનમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને કમિશન દ્વારા ફિલ્મની સામે ગઈ કાલ સુધીનો સ્ટે આપવામાં આવ્યો હતો. ગઈ કાલની સુનાવણીમાં હવે પછીની સુનાવણીની તારીખ ૨૨ ડિસેમ્બરની આપવામાં આવી હતી. ગઈ કાલે શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠને રાજ્ય સરકારને પાર્ટી બનાવીને નવી ઍફિડેવિટ ફાઇલ કરી હતી, જેને હ્યુમન રાઇટ્સ કમિશને સ્વીકારી હતી. નવી સુધારેલી પ્રત જૂની અને નવી બધી જ પાર્ટીને હાથોહાથ અથવા રજિસ્ટર્ડ એડીથી પહોંચાડવાની કમિશને સૂચના આપી હતી. આ સુનાવણીમાં સીબીએફસી કેન્દ્ર સરકારના બ્રૉડ્કાસ્ટિંગ મિનિસ્ટી તરફથી કોઈ જ વકીલો હાજર રહ્યા નહોતા, પરંતુ ફિલ્મના પ્રોડ્યુસર મહાવીર ટૉકીઝ વગેરેના વકીલો ઑનલાઇન હાજર રહ્યા હતા.