કોલકાતામાં ઇડન ગાર્ડન્સ મેદાનમાં ગઈકાલે સાંજે (૨૨ જાન્યુઆરી), પ્રથમ T20માં ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડની ટીમને ૭ વિકેટથી પરાજય આપ્યો હતો. આ મેદાન પર ભારતનો આ સતત સાતમો T20 વિજય હતો. શમી અને બુમરાહ વગર, ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડને 132 રનમાં ઓલઆઉટ કરી દીધું. ત્યારબાદ અભિષેક શર્માએ પોતાના બેટથી તબાહી મચાવી હતી. એકંદરે, આ મેચમાં, ટીમ ઈન્ડિયાની નવી બ્રિગેડે આ ફોર્મેટમાં તેનું ઉત્તમ અને શક્તિશાળી ફોર્મ દર્શાવ્યું હતું.
ફક્ત કેપ્ટન જોસ બટલર 44 બોલમાં 68 રનની શાનદાર ઇનિંગ રમ્યો
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડ તરફથી, ફક્ત કેપ્ટન જોસ બટલર જ પોતાની ટીમના તૂટી રહેલા કિલ્લાને બચાવતા જોવા મળ્યો હતો. બટલરે 44 બોલમાં 68 રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. ઇંગ્લેન્ડ તરફથી હેરી બ્રુક (૧૭) અને જોફ્રા આર્ચર (૧૨) જ બે આંકડા સુધી પહોંચી શક્યા હતા.
અર્શદીપે ઇંગ્લેન્ડની શરૂઆતની કમર તોડી
કોલકાતા T20 માટે અર્શદીપ સિંહ ટીમ ઈન્ડિયાનો એકમાત્ર સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલર હતો. તેણે પોતાની પહેલી બે ઓવરમાં ફિલ સોલ્ટ (0) અને બેન ડકેટ (4)ને આઉટ કર્યા હતા. આ સાથે, અર્શદીપ T20I માં સૌથી વધુ વિકેટ (97) લેનાર ભારતીય ખેલાડી પણ બન્યો. ટીમ ઈન્ડિયાના ટી20 ઉપ-કપ્તાન અક્ષર પટેલે પણ આ મેચમાં ઈંગ્લેન્ડના નીચલા સ્તરના બેટ્સમેનોને આઉટ કરીને 4 ઓવરમાં 22 રન આપીને 2 વિકેટ લીધી હતી. બીજી તરફ, શમીની પસંદગીમાં આ મેચમાં રમનાર રવિ બિશ્નોઈને ભલે આ મેચમાં કોઈ વિકેટ ન મળી હોય, પરંતુ તેણે પોતાની 4 ઓવરમાં ફક્ત 22 રન આપ્યા.
ભારતની જીતમાં સંજુ સેમસન અને અભિષેક શર્માએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી
ભારતની જીતમાં સંજુ સેમસન અને અભિષેક શર્માએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 41 રનની ઓપનિંગ ભાગીદારી કરી. સંજુએ 20 બોલમાં 26 રન ફટકાર્યા હતા. જ્યારે અભિષેકે આ મેચમાં 20 બોલમાં ફિફ્ટી ફટકારી. આ પછી, તેણે 34 બોલમાં 79 રનની જ્વલંત ઇનિંગ રમી હતી. દરમિયાનમાં અભિષેકે 8 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ ૨૩૨.૩૫ હતો. હવે બંને ટીમો વચ્ચે શ્રેણીની બીજી મેચ 25 જાન્યુઆરીએ ચેન્નાઈમાં રમાશે.