દ્વારકાના જગત મંદિર પર છઠ્ઠી ધજા ચડાવવાના નિર્ણયને લઇને મંદિરના પૂજારીઓ અને કલેક્ટર આમને સામને આવ્યા છે. ત્રિવેદી અબોટી બ્રાહ્મણોએ કલેક્ટરને અલ્ટિમેટમ આપ્યું છે અને નોટીસ ફટકારીને ત્રણ દિવસમાં ખુલાસો કરવા ફરમાન કર્યું છે.
સમગ્ર વિવાદની વાત કરીએ તો ભગવાન દ્વારકાધીશજીના મંદિરના શિખર પર ધજા ચઢવાની પરંપરા પહેલીવાર બદલાઈ છે. હવેથી જગત મંદિરમાં 5ને બદલે 6 ધજા ચડાવવામાં આવશે. ત્યારે આ નિર્ણયનો મંદિર પર ધજા ચઢાવતા અબોટી બ્રાહ્મણો દ્વારા વિરોધ કરાયો છે. જગત મંદિર પર ધજારોહણ કરતા અબોટ બ્રાહ્મણ સમુદાયના ત્રિવેદી પરિવારે ધજા આરોહણનો નિર્ણય એકતરફી લેવાયો હોવાનું જણાવ્યું, તેમજ તેનો વિરોધ પણ કર્યો. તેઓએ આ અંગે દેવસ્થાન સમિતિને નોટિસ ફટકારી છે. તેમજ 3 દિવસમાં આ નિર્ણય અંગે ખુલાસો માંગ્યો છે. અબોટી બ્રહ્મ સમાજે ચીમકી ઉચ્ચારી કે જો વિવાદ નહિ ઉકેલાય તો કોર્ટમાં જઇશું.
પંદર દિવસ પહેલા દ્વારકાધીશ જગતમંદિરના શિખર પર દરરોજ છ ધજાજી ચઢાવવાનો નિર્ણય જિલ્લા કલેકટર તેમજ દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિના ચેરમેન અશોક શર્માના અધ્યક્ષસથાને મળેલી બેઠકમાં લેવાયો હતો. જે મુજબ, હવેથી દ્વારકાધીશના મંદિરના શિખર પર છ ધ્વજારોહણ થશે. આ માટે ધજાની ફાળવણી ઓનલાઈન પોર્ટલથી કરવામાં આવશે. 1 નવેમ્બર, 2023થી પોર્ટલ શરૂ કરવામાં આવશે. જે માટે માસિક ડ્રો દ્વારા ભક્તો ધજા ફાળવવામાં આવશે. હાલમાં ચડાવવામાં આવતી પાંચમી ધ્વજા અને મંજૂર થયેલી છઠ્ઠી ધ્વજા માસિક ડ્રો દ્વારા ફાળવવામાં આવશે. આ ડ્રો દર મહિનાની 20મી તારીખના રોજ કરવામાં આવશે. ડ્રો દરમિયાન દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિના સભ્ય હાજરીમાં ગુગળી બ્રાહ્મણ સમાજ દ્વારા કરવામાં આવશે. આ વ્યવસ્થા ઓનલાઈન પોર્ટલ કાર્યરત થવા સુધી ચાલુ રહેશે. પોર્ટલ શરૂ થયા બાદ ધ્વજાની ફાળવણી પોર્ટલ મારફતે કરવામાં આવશે.