અમદાવાદમાં દિવસેને દિવસે અકસ્માતોમાં સતત વધારો થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા ઈસ્કોન બ્રીજ પર થયેલ અકસ્માતની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે અને ભવિષ્યમાં આવા મોટા અકસ્માત ન સર્જાય તેને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસ અને AMC કામે લાગી ગઈ છે. હવે પોલીસને સાથ આપી રહ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન.કોર્પોરેશને હવે શહેરમાં વન વે ટ્રાફિક સ્પાઈક સ્પીડ બમ્પ (ટાયર કિલર બમ્પ) ઇન્સ્ટોલ કરવાનું કામ શરૂ કરી દીધું છે. હાલ પૂરતું તો શહેરના ચાણક્યપુરી બ્રિજના સર્વિસ રોડ પર આ બમ્પ લગાવવામાં આવ્યા છે. જો તમે શહેરના ચાણક્યપૂરી વિસ્તારમાં છો અને રોડ પર રોન્ગ સાઈટમાં વાહન લઈને જઈ રહ્યા છો તો આપના વાહનનું ટાયર ફાટી જશે. વન વે ટ્રાફિક સ્પાઈક સ્પીડ બમ્પ વિશે આવો વિગતે જાણીએ.
અમદાવાદમાં ટ્રાફિકને અંકુશમાં રાખવા માટે ટ્રાફિક પોલીસની સાથે સાથે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટ્રાફિક પ્રોજેક્ટ વિભાગ પણ શહેરભરમાં ટ્રાફિક પરિવહન જળવાઈ રહે તે માટેની કામગીરી કરી રહ્યું છે. આ વિભાગ રોડ માર્કિંગ, રોડ સાઈનેજિસની કામગીરી ઠેરઠેર કરી રહી છે. હાલમાં જ કોર્પોરેશને વન વે ટ્રાફિક સ્પાઇક સ્પીડ બમ્પ એટલે કે ટાયર કિલર બમ્પ લગાવવાની કરવાની કામગીરી પ્રાયોગિક ધોરણે શરૂ કરી છે. કોર્પોરેશનની ટીમે આ બમ્પ હાલ પૂરતા ઉત્તર પશ્ચિમ ઝોનના ચાણક્યપુરી બ્રિજના સર્વિસ રોડ પર લગાવ્યા છે. આગામી સમયમાં શહેરમાં અન્ય જગ્યાએ પણ આ કામગીરી શરૂ કરવામાં આવશે.
હવે શહેરમાં રોન્ગ સાઈડ પર વાહન ચલાવતા ચાલકોએ સાવધાન થઈ જવાની જરૂર છે. કારણ કે, શહેરભરમાં હવે ટાયર કિલર બમ્પ ઇન્સ્ટોલ કરવામાં આવશે. આ માટેની કામગીરી કેટલાક વિસ્તારોમાં તો શરૂ પણ થઈ ગઈ છે. એટલે કે, જો તમે રોન્ગ સાઈડમાં વાહન ચલાવશો તો દંડ તો થશે જ, પણ ગાડીનું ટાયર પણ ફાટી જશે તે નક્કી છે.
આપને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલાં જ ઇસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત થયો હતો. ત્યારબાદ ટ્રાફિક પોલીસ સફાળી જાગી છે. તેમ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ સાથે મળીને નવા પ્રયોગો હાથ ધરી રહી છે. પોલીસનો ઉદ્દેશ અકસ્માતને અટકાવવાનો છે.જો તમે રોન્ગ સાઈડમાં ગાડી ચલાવશો તો તમને 1,500થી 4,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.