BRICS જૂથના નેતાઓએ ગુરુવારે, 24 ઓગસ્ટે, સાઉદી અરેબિયા, ઈરાન, ઇથોપિયા, ઇજિપ્ત, આર્જેન્ટિના અને સંયુક્ત આરબ અમીરાત સહિત છ દેશોને જૂથમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. આ પગલાનો ઉદ્દેશ્ય BRICS બ્લોકનો દબદબો વધારવાનો છે. જેણે “ગ્લોબલ સાઉથ”ને મજબૂત બનાવવાનું વચન આપ્યું છે. BRICS જૂથમાં હાલમાં પાંચ દેશો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા છે જેને ટૂંકમાં BRICS કહેવામાં આવે છે. જૂથના વિસ્તરણના પ્રથમ તબક્કા પર આ પાંચ દેશો વચ્ચે સર્વસંમતિ સધાઈ છે, જે 1 જાન્યુઆરી, 2024થી અમલમાં આવશે.
હાલમાં, જોહાનિસબર્ગના સેન્ડટન કન્વેન્શન સેન્ટરમાં 2023 BRICS સમિટ ચાલી રહી છે, જ્યાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજર છે. દક્ષિણ આફ્રિકાના અધિકારીઓનું કહેવું છે કે 40થી વધુ દેશોએ BRICSમાં જોડાવા માટે રસ દાખવ્યો છે. 22 દેશોએ ઔપચારિક રીતે તેમાં જોડાવા માટે કહ્યું છે.
BRICSના વિસ્તરણ અંગેના કરારની જાહેરાત કરતા, દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસાએ જણાવ્યું હતું કે, “આ સમિટે BRICS, લોકો-થી-લોકોના આદાન-પ્રદાન, મિત્રતા અને સહકારને વધારવાના મહત્વની પુનઃ પુષ્ટિ કરી છે. વૈશ્વિક આર્થિક, નાણાકીય અને રાજકીય મહત્વની બાબતો તે સહિયારા મૂલ્યો અને સામાન્ય હિતોને પણ પ્રતિબિંબિત કરે છે જે પાંચ BRICS દેશો તરીકે આપણા પરસ્પર લાભદાયી સહકારને આધાર આપે છે.
આ પહેલા બુધવારે ભારતે પણ BRICSના વિસ્તરણને સમર્થન આપ્યું હતું. વડા પ્રધાન મોદીએ કહ્યું, “7 વર્ષ પછી, અમે કહી શકીએ કે BRICS નો અર્થ થશે- અવરોધોને તોડવું, અર્થતંત્રને પુનર્જીવિત કરવું અને ભવિષ્યને આકાર આપવો.” ભાગીદાર દેશો સાથે મળીને, અમે આ નવી વ્યાખ્યાને અર્થપૂર્ણ બનાવવા સક્રિયપણે યોગદાન આપવાનું ચાલુ રાખીશું.”