ભારતે વન ડે શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવ્યું હતું.ભારતે 27 વર્ષ બાદ મોહાલીના મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી હતી.આ પહેલા મોહાલીમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી નવેમ્બર 1996માં મળી હતી.
ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં પાંચ વિકેટે શાનદાર જીત હાંસલ કરી હતી.22 સપ્ટેમ્બરે શુક્રવારના રોજ પંજાબ ક્રિકેટ એસોસિએશન PCAના મોહાલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતને જીતવા માટે 277 રનનો ટાર્ગેટ હતો,જે તેણે 48.4 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.
ભારતીય ટીમની જીતમાં શુભમન ગિલ,ઋતુરાજ ગાયકવાડ,સૂર્યકુમાર યાદવ અને કેપ્ટન કેએલ રાહુલે મહત્વની ભૂમિકા ભજવી હતી.ઓપનર બેટ્સમેન ગિલે સૌથી વધુ 63 બોલમાં 74 રન બનાવ્યા,જેમાં છ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.બીજા ઓપનર ઋતુરાજ ગાયકવાડે 77 બોલમાં 71 રનની ઇનિંગ રમી હતી.ઋતુરાજના બેટમાંથી 10 ચોગ્ગા આવ્યા હતા.
તો કે.એલ રાહુલે અણનમ 58 અને સૂર્યકુમાર યાદવે 50 રન બનાવ્યા હતા.રાહુલે સીન એબોટના બોલ પર સિક્સર ફટકારીને ભારતને જીત અપાવી હતી.રૂતુરાજ-ગિલે પ્રથમ વિકેટ માટે 142 રન જોડ્યા હતા.રાહુલ અને સૂર્યકુમાર વચ્ચે પાંચમી વિકેટ માટે 80 રનની ભાગીદારી થઈ હતી.
વન-ડે ઇન્ટરનેશનલમાં આ ત્રીજી વખત બન્યું,જ્યારે ભારતના ચાર ખેલાડીઓએ રન ચેઝ દરમિયાન 50 કે તેથી વધુ રન બનાવ્યા.આ પહેલા ભારતીય ખેલાડીઓએ ઈંગ્લેન્ડ સામે બે વખત આવું કર્યું હતું.