કુશલ મલ્લાએ સૌથી ઝડપી ટી20 સદી ફટકારી: નેપાળ અને મંગોલિયા વચ્ચેની એશિયન ગેમ્સની ક્રિકેટ મેચમાં અમેઝિંગ રેકોર્ડ બનાવ્યા. નેપાળના બેટ્સમેન કુશલ મલ્લાએ માત્ર 34 બોલમાં સદી ફટકારીને રોહિત શર્માનો T20 ઈન્ટરનેશનલનો સૌથી મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે.
કહેવાય છે કે ક્રિકેટમાં કોઈ રેકોર્ડ કાયમી હોતો નથી. કંઈક આવું જ એશિયન ગેમ્સની મેન્સ ક્રિકેટ મેચમાં જોવા મળ્યું. નેપાળ અને મંગોલિયા વચ્ચેની મેચમાં નેપાળના બેટ્સમેન કુશલ મલ્લાએ માત્ર 34 બોલમાં સદી ફટકારીને T-20 ઈન્ટરનેશનલમાં રોહિત શર્માના વર્લ્ડ રેકોર્ડને તોડી નાખ્યો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્મા, દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલર અને ચેક રિપબ્લિકના એસ વિક્રમશેકરાએ 35-35 બોલમાં સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
આટલું જ નહીં આ મેચમાં દીપેન્દ્ર સિંહે માત્ર 9 બોલમાં અડધી સદી પૂરી કરીને ભારતીય સિક્સર કિંગ યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ્યો હતો, જ્યારે ટીમે સૌથી વધુ 314 રન બનાવ્યા હતા. આ પણ એક વર્લ્ડ રેકોર્ડ છે. ટી-20ના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ ટીમ 300થી વધુ રન બનાવવામાં સફળ રહી હોય. કુશલ જ્યારે મેદાન પર આવ્યો ત્યારે નેપાળનો સ્કોર એક વિકેટે 42 રન હતો. આ પછી આસિફ શેખની વિકેટ પડી. તે 16 રન બનાવી આઉટ થયો હતો.
માત્ર 9 બોલમાં અડધી સદી ફટકારી નેપાળી બેટ્સમેને તોડ્યો યુવરાજ સિંહનો વર્લ્ડ રેકોર્ડ
બીજી તરફ, કુશલે મેદાનમાં પ્રવેશતાની સાથે જ ચાર્જ સંભાળી લીધો અને ઘણા ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા. તેણે માત્ર 34 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ રેકોર્ડ અગાઉ રોહિત શર્મા અને ડેવિડ મિલરના નામે સંયુક્ત રીતે હતો. ઇનિંગ્સના અંત પછી જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેણે 50 બોલમાં 8 ચોગ્ગા અને 12 છગ્ગાની મદદથી 137 અણનમ રન બનાવ્યા હતા. બીજી તરફ દીપેન્દ્ર 10 બોલમાં 52 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.
T-20 ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી
કુશલ મલ્લ: 34 બોલ, નેપાળ વિરુદ્ધ મંગોલિયા
ડેવિડ મિલર: 35 બોલ, દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બાંગ્લાદેશ
રોહિત શર્મા: 35 બોલ, ભારત વિરુદ્ધ શ્રીલંકા
એસ વિક્રમશેખરા: 35 બોલ, ચેક રિપબ્લિક વિ તુર્કી
એસ પેરિયાલવાર: 39 બોલ, રોમાનિયા વિરુદ્ધ તુર્કી
ઝીશાન કુકીપ્લે: 39 બોલ, હંગેરી વિ ઓસ્ટ્રિયા
જોન્સન ચાર્લ્સ: 39 બોલ, વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા