દિલ્હીમાં ધરપકડ કરાયેલા આઈએસઆઈએસના આતંકી શાહનવાઝના ગુનાની કૂંડળી ખુલી છે અને તેણે ગુજરાતની એક યુવતી સાથે લગ્ન કર્યાં હોવાનું બહાર આવ્યું છે.
– શાહનવાઝે ગુજરાતી છોકરી સાથે કર્યાં હતા લગ્ન
– વસંતી પટેલ અમદાવાદની હોવાનું કહેવાઈ રહ્યું છે
દિલ્હીમાં ISISના આતંકી શાહનવાઝની ધરપકડ બાદ હવે નવા ખુલાસા થઈ રહ્યા છે. શાહનવાઝના લગ્ન ગુજરાતની રહેવાસી વસંતી પટેલ નામની મહિલા સાથે થયા હતા. લગ્ન બાદ તેણે વસંતીનું ધર્મ પરિવર્તન કર્યું હતું અને મરિયમ નામ રાખ્યું હતું. વસંતી પટેલ અમદાવાદની રહેવાશી હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, થોડા સમય પહેલા વસંતી પટેલ અને આતંકી શાહનવાઝ પ્રેમમાં પડ્યાં હતા અને બન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. શાહનવાઝની સંદિગ્ધ ગતિવિધિઓની પણ વસંતીને જાણ હોવાનું જણાવાઈ રહ્યું છે. વસંતી પટેલ અમદાવાદના નિકોલની આજુબાજુની હોવાનું પણ જણાવાય છે.
કોણ છે શાહનવાઝ
શાહનવાઝ ઝારખંડના હજારીબાગનો રહેવાસી છે. વિશેષ પોલીસ કમિશનર એચ.જી.એસ.ધાલીવાલે જણાવ્યું હતું કે, “સ્પેશિયલ સેલ લાંબા સમયથી ઇન્ડિયન મુજાહિદ્દીન અને આઇએસઆઇએસના કિંગપિન પર નજર રાખી રહ્યું છે. આવા અનેક મોડ્યુલોનો પર્દાફાશ થયો છે. શાહનવાઝના બે સહયોગીઓમાંથી એક છે મોહમ્મદ રિઝવાન અશરફ અને બીજો મોહમ્મદ અરશદ વારસી. મોહમ્મદ રિઝવાન અશરફ પણ મૌલાના છે. તેમનો એક સાથી મોહમ્મદ રિઝવાન હજુ ફરાર છે અને તેની શોધખોળ ચાલી રહી છે. મોહમ્મદ રિઝવાન અશરફની લખનઉથી અને મોહમ્મદ અરશદ વારસીની મુરાદાબાદથી ધરપકડ કરવામાં આવી છે. આ તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.
આતંકીઓ પાસેથી ઝડપાયો વિસ્ફોટક સામાન
પોલીસે જ્યારે તેના ઠેકાણાઓ પર દરોડા પાડ્યાં ત્યારે વિસ્ફોટક બનાવવાની જુદી જુદી સામગ્રી મળી આવી હતી. જેમાં લોખંડની પાઇપ, પ્લાસ્ટિક, કેમિકલ વગેરેનો સમાવેશ થાય છે. આ વિસ્ફોટક સામગ્રી મોહમ્મદ શાહનવાઝના ઠેકાણા પરથી મળી આવી છે. આ ઉપરાંત બોમ્બ બનાવવાની પદ્ધતિ સાથે જોડાયેલું સાહિત્ય પણ મળી આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર આ સાહિત્ય તેમને તેમના પાકિસ્તાની હેન્ડલર્સે મોકલ્યું છે. તેમને તમામ પ્રકારના રસાયણોના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી. રસાયણોનો ઉપયોગ કેવી રીતે કરવો અને વધારેમાં વધારે નુકશાન કેવી રીતે કરવું તેની પણ તાલીમ અપાઈ હતી.
અમદાવાદના ઘણા વિસ્તારોમાં રેકી કરી
શંકાસ્પદ આતંકવાદીઓએ પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારત તથા ગુજરાતના અમદાવાદના ઘણા વિસ્તારોમાં રેકી કરી હતી. આ તમામને દરેક તબક્કે તેમના પાકિસ્તાની હેન્ડલર્સ પાસેથી જરૂરી સૂચનાઓ મળી રહી હતી. પોલીસે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓ એન્જિનિયર છે.
એન્જિનિયર આતંકીની ધરપકડ
દિલ્હી પોલીસે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ના મોસ્ટ વોન્ટેડ આતંકીઓમાંના એક શાહનવાઝની ધરપકડ કરી હતી. શાહનવાઝ પુણે પોલીસની કસ્ટડીમાંથી નાસી છૂટ્યો હતો અને દિલ્હીમાં રહેતો હતો. તેના માથા પર 3 લાખનું ઈનામ હતું. વ્યવસાયે એન્જિનિયર એવા શાહનવાઝને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પકડી પાડ્યો હતો.