ઈઝરાયેલે 7 ઓક્ટોબરે હમાસના હુમલા બાદ ગાઝામાં વીજળી અને પાણી સહિતની તમામ સુવિધાઓ બંધ કરી દીધી છે. ત્યાર બાદ ખોરાક અને દવાઓની ડિલિવરી પણ બંધ કરી દેવામાં આવી છે. ગાઝામાં આશરે 23 લાખ લોકોની વસ્તી છે અને દિવસે ને દિવસે પાણી માટે આમતેમ વલખા મારી રહી છે.
દરેક વ્યક્તિને દરરોજ ઓછામાં ઓછા 100 લિટર પાણીની જરૂર હોય છે જે તેને મળવું જોઈએ. ઇઝરાયલ-હમાસ સંઘર્ષ પહેલા, ગાઝામાં માથાદીઠ પાણીની મર્યાદા 84 લિટર હતી ત્યાર બાદ સપ્લાયમાં કાપ મૂકીને પ્રતિ વ્યક્તિ દીઠ લગભગ 3 લિટર સુધી પહોંચી ગયો છે.
યુનાઈટેડ નેશન્સે કહ્યું છે કે ગાઝામાં રહેતા 2.3 મિલિયન લોકોને માનવતાવાદી સહાય પહોંચાડવા માટે ઓછામાં ઓછા 100 ટ્રકની જરૂર પડશે, પરંતુ હાલમાં માત્ર 20 ટ્રકને ગાઝા જવા માટે મંજૂરી આપવામાં આવી છે. ટ્રકો રફાહ ક્રોસિંગ દ્વારા ગાઝામાં પ્રવેશવાની હતી પણ ખરાબ રસ્તાઓને કારણે ટ્રકો પ્રવેશ કરી શકતી નથી. અને રાહતકર્મીઓનું કહેવું છે કે ગાઝા તરફના રફાહ ક્રોસિંગ પર દર મિનિટે બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે.