ભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023 વચ્ચે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ભારતના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ સ્પિનર બિશન સિંહ બેદીનું 77 વર્ષની વયે નિધન થયું છે. 1970ના દાયકામાં સ્પિન બોલિંગની પ્રખ્યાત ચોકડી બેદી,પ્રસન્ના,ચંદ્રશેખર,રાઘવનનો ભાગ બનેલા બિશન સિંહ બેદી હવે આપણી વચ્ચે નથી રહ્યા.
બિશન સિંહ બેદીનો જન્મ 25 સપ્ટેમ્બર 1946ના રોજ અમૃતસરમાં થયો હતો.તેઓ ડાબા હાથના તેજસ્વી બોલર હતા.તેણે 1966 થી 1979 સુધી ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમી હતી.બિશન સિંહ બેદીએ 22 ટેસ્ટ મેચોમાં ભારતની કેપ્ટનશિપ પણ કરી હતી.તેમણે 67 ટેસ્ટ મેચમાં 266 વિકેટ લીધી હતી.તો પોતાની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દી 1560 વિકેટ સાથે પૂરી કરી હતી.અનુભવી ડાબોડી ભારતીય સ્પિનર બેદી એ ભારતીય ક્રિકેટનો ચહેરો હતા જેમણે મેદાન પરના તેમના પ્રદર્શનથી માત્ર ચમક્યા જ નહીં પરંતુ તેમના નેતૃત્વ સાથે એક ઉદાહરણ પણ સ્થાપિત કર્યું અને તેમના વિચારો વ્યક્ત કરવામાં ક્યારેય ખચકાયા નહીં.