ભારત આયોજીત ક્રિકેટ વન ડે આંતરરાષ્ટ્રીય વર્લ્ડ કપ 2023માં અપસેટનો સિલસિલો શરૂ થયો છે.ત્યારે સોમવારે વર્લ્ડ કપ 2023માં ત્રીજો મોટો અપસેટ થયો હતો.ચેન્નાઈના એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી,જેમાં અફઘાન ટીમે 8 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી.
આ પહેલા અફઘાનિસ્તાનની ટીમે વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 69 રનથી હરાવીને પહેલો અપસેટ સર્જ્યો હતો.
આ ઉપરાંત નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને ટુર્નામેન્ટનો બીજો અપસેટ હાંસલ કર્યો હતો.હવે અફઘાનિસ્તાને ટૂર્નામેન્ટમાં ત્રીજો મોટો અપસેટ સર્જ્યો છે.
આ મેચમાં બાબર આઝમની કેપ્ટન્સી હેઠળની પાકિસ્તાની ટીમે 283 રનનો ટાર્ગેટ આપ્યો હતો.જવાબમાં અફઘાન ટીમે 2 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.રહમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાને ઓપનિંગમાં સદીની ભાગીદારી કરીને ટીમને સારી શરૂઆત અપાવી હતી.ઝદરને 113 બોલમાં 87 રન અને ગુરબાઝે 53 બોલમાં 65 રન બનાવ્યા હતા.
આ પછી રહમત શાહ અને કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ બાજી સંભાળી.રહમતે 84 બોલમાં 77 રનની અણનમ ઇનિંગ રમી અને શાહિદીએ 45 બોલમાં 48 રનની અણનમ ઇનિંગ રમી હતી. પાકિસ્તાન માટે કોઈ બોલર અફઘાન ટીમ પર દબાણ લાવી શક્યો નહોતો.શાહીન શાહ આફ્રિદી અને હસન અલીને એક એક સફળતા મળી હતી.
અફઘાનિસ્તાને પહેલીવાર પાકિસ્તાન સામે વનડેમાં જીત નોંધાવી.બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 8 ODI મેચ રમાઈ જેમાં પાકિસ્તાને પ્રથમ 7 મેચ જીતી હતી.
ODI વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનનો આ ત્રીજો વિજય છે.આ પહેલા તેઓએ 2015માં સ્કોટલેન્ડ અને તે જ સીઝન એટલે કે 2023માં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું.અફઘાન ટીમે 2015થી વર્લ્ડ કપમાં રમવાનું શરૂ કર્યું છે.ત્યારથી લઈને અત્યાર સુધી વર્લ્ડ કપમાં 20 મેચ રમાઈ જેમાંથી 3 જીતી છે.આ ત્રણમાંથી બે ટીમોએ મોટો અપસેટ સર્જ્યો હતો.