ધરપકડ અને દેશનિકાલથી બચવા માટે પાકિસ્તાન છોડી રહેલા અફઘાન નાગરિકો ભોજન,પાણી, યોગ્ય આશ્રય અને શૌચાલય જેવી પ્રાથમિક જરૂરિયાતોના અભાવે સરહદ પાર કર્યા પછી ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને ખુલ્લામાં સૂવા માટે મજબૂર છે. તાજેતરના અઠવાડિયામાં લાખો અફઘાન નાગરિકોએ પાકિસ્તાન છોડી દીધું છે. પાકિસ્તાન સરકાર દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓને બહાર કાઢવા માટે અત્યંત કડક પગલાં લઈ રહી છે અને અધિકારીઓ ઘરે-ઘરે જઈને સ્થળાંતર કરનારાઓના દસ્તાવેજોની તપાસ કરી રહ્યા છે.
પાકિસ્તાને અફઘાનિસ્તાનના નાગરિકો માટે દેશ છોડવાની અંતિમ તારીખ 31 ઓક્ટોબર નક્કી કરી હતી, જે નિષ્ફળ જશે તો તેમને સ્થળાંતર વિરોધી નવા કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવશે. અફઘાન નાગરિકો તોરખામ અને ચમન વિસ્તારમાંથી સરહદ પાર કરીને પાકિસ્તાન છોડી રહ્યા છે. જ્યારે તેઓ અફઘાનિસ્તાનમાં તેમના મૂળ સ્થાનો પર જવાની રાહ જુએ છે ત્યારે તાલિબાને આ લોકોને રહેવા માટે બીજી બાજુ કેમ્પો સ્થાપ્યા છે.
સહાય જૂથોએ જણાવ્યું હતું કે તોરખામમાં પાછા ફરેલા લોકોને સમાવવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા નથી. પીવાનું પૂરતું પાણી નથી, વીજળી નથી અને શૌચાલય નથી. ખુલ્લામાં શૌચ કરતા લોકોના કારણે ત્યાં ઘણી ગંદકી છે. યુએન એજન્સીઓ અને સહાય જૂથો દરરોજ અફઘાનિસ્તાનમાં પ્રવેશતા હજારો લોકો માટે પાયાની સુવિધાઓ સાથે કેમ્પ બનાવી રહ્યા છે.