ઇઝરાયેલ-હમાસ યુદ્ધ શરૂ થયું ત્યારથી, ઇરાન સમર્થિત જૂથોએ ઓછામાં ઓછા 40 વખત ઇરાક અને સીરિયામાં યુએસ અને ગઠબંધન સૈનિકો પર હુમલો કર્યો છે જેમાં 45 યુએસ સૈનિકોને ગંભીર ઇજા પહોંચી છે.
અમેરિકાએ બે અઠવાડિયામાં બીજી વખત સીરિયા પર હવાઈ હુમલો કર્યો છે. બુધવારે, યુએસ એફ -15 લડાકુ વિમાનોએ પૂર્વી સીરિયામાં ઈરાન સમર્થિત જૂથોના શસ્ત્રોના વેરહાઉસ પર બોમ્બમારો કર્યો, જેમાં નવ લોકો માર્યા ગયા. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોને કહ્યું કે સીરિયામાં આ હથિયારોના વેરહાઉસનો ઉપયોગ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) અને સંલગ્ન જૂથો દ્વારા કરવામાં આવ્યો હતો.
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ શરૂ થયું ત્યારથી, ઇરાન સમર્થિત જૂથોએ ઓછામાં ઓછા 40 વખત ઇરાક અને સીરિયામાં યુએસ અને ગઠબંધન સૈનિકો પર હુમલો કર્યો છે, જેમાં 45 યુએસ સૈનિકોને ગંભીર ઇજા પહોંચી છે. એક નિવેદનમાં યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિને જણાવ્યું હતું કે સીરિયામાં ઈરાની ટાર્ગેટ પર હુમલા યુએસના બે એફ-15 ફાઈટર પ્લેન દ્વારા કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ હુમલા અમેરિકી દળો પર તાજેતરના હુમલાના જવાબમાં કરવામાં આવ્યા છે.
અમેરિકાનો આરોપ છે કે આ ગોદામોમાંથી ઈરાન મધ્ય પૂર્વના આતંકવાદી જૂથોને હથિયાર સપ્લાય કરી રહ્યું છે. ઓસ્ટિને કહ્યું કે અમેરિકન સૈનિકો સામેના હુમલા બંધ થવા જોઈએ. “જો અમેરિકી દળો સામે ઈરાનના પ્રોક્સીઓ દ્વારા હુમલા ચાલુ રહેશે, તો અમે અમારા લોકોની સુરક્ષા માટે વધુ જરૂરી પગલાં લેવામાં અચકાઈશું નહીં,
અમેરિકાના એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ સીએનએનને જણાવ્યું હતું કે સીરિયાના મેસ્લુનમાં સ્થિત આ હથિયારોના વેરહાઉસમાં આ ક્ષેત્રમાં અમારા દળો વિરુદ્ધ અનેક હવાઈ હુમલામાં ઉપયોગમાં લેવાતા હથિયારો છે. અધિકારીએ જણાવ્યું હતું કે બુધવારના હુમલાનો હેતુ “ઈરાનને સ્પષ્ટ સંદેશ મોકલવાનો હતો કે અમે યુએસ દળો પરના હુમલા માટે તેને જવાબદાર માનીએ છીએ,” અને યુએસ અપેક્ષા રાખે છે કે ઈરાન “તેના પ્રોક્સીઓને રોકવા માટે સૂચના આપવા માટે પગલાં લેશે.”
જણાવી દઈએ કે અમેરિકન હુમલો એ જ દિવસે થયો હતો જ્યારે ઈરાન સમર્થિત હુથી વિદ્રોહી દળોએ યમનના દરિયાકાંઠે માનવરહિત અમેરિકન MQ-9 રીપર ડ્રોનને તોડી પાડ્યું હતું. યુએસ સેન્ટ્રલ કમાન્ડ આ ઘટનાની તપાસ કરી રહી છે.