ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયાનો પ્રધાનમંત્રી આવાસની બહાર પદ્મ પુરસ્કાર છોડવાનો મુદ્દો હાલ ચર્ચામાં છે. આ પહેલીવાર નથી જ્યારે કોઈએ આ રીતે પોતાનો એવોર્ડ પરત કર્યો હોય…છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા લોકોએ પદ્મ એવોર્ડ પરત કર્યો છે. આમ છતાં, બજરંગ પુનિયા પદ્મ પુરસ્કાર વિજેતાઓની યાદીમાં રહેશે. કારણ કે આ સન્માન પરત કરવાની કોઈ જોગવાઈ નથી. એક અખબારના અહેવાલ મુજબ, એક અધિકારીએ કહ્યું છે કે એવોર્ડ વિજેતા કોઈ કારણસર સન્માન પરત કરવાની જાહેરાત કરી શકે છે. પરંતુ પદ્મ પુરસ્કાર માટે એવો કોઈ નિયમ નથી. માત્ર રાષ્ટ્રપતિ જ કારણ વગર એવોર્ડ રદ કરવાની પરવાનગી આપી શકે છે.
અહેવાલમાં અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે એવોર્ડ વિજેતાઓના નામ ત્યાં સુધી રજિસ્ટરમાં રહે છે. જ્યાં સુધી એવોર્ડ રદ ન થાય. પદ્મ પુરસ્કારો રદ થયાનો કોઈ ઈતિહાસ નથી. 2018માં તત્કાલિન ગૃહ રાજ્ય મંત્રી કિરેન રિજિજુએ રાજ્યસભામાં કહ્યું હતું કે દેશની તપાસ એજન્સીઓ દ્વારા ચારિત્ર્યની ચકાસણી કર્યા બાદ જ આ પુરસ્કારો આપવામાં આવે છે.
સામાન્ય રીતે, પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવા માટે જે તે વ્યક્તિની ઈચ્છા જાહેરાત પહેલા પુછવામાં આવે છે.કોઈ વ્યક્તિને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અથવા પદ્મશ્રીથી સન્માનિત કર્યા પછી નામ ભારતના રાજપત્રમાં સામેલ કરવામાં આવે છે. જેનું એક રજિસ્ટર પણ જાળવવામાં આવે છે. અધિકારીએ કહ્યું કે જો પુરસ્કાર મેળવનાર પોતે પછીથી પદ્મ પુરસ્કાર પરત કરે તો પણ નામ રાજપત્ર અથવા પુરસ્કાર મેળવનારના રજિસ્ટરમાં રહે છે.
મળતી વિગતો મુજબ પદ્મ પુરસ્કાર પરત કરનારાઓની યાદીમાં પંજાબના પૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એસએસ ધીંડસાનો પણ સમાવેશ થાય છે. 2020 માં રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં તેમણે કહ્યું હતું કે તેઓ 3 કૃષિ કાયદાની વિરુદ્ધ છે. અને ખેડૂતો સાથે એવોર્ડ પરત કરી રહ્યા છે. આમ છતાં તેમનું નામ પદ્મ પુરસ્કાર વિજેતાઓની યાદીમાં છે.