WFIમાં બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહની જીત બાદ રેસલરોમાં વિરોધ યથાવત છે. ત્યારે મહિલા રેસલર સાક્ષી મલિકના કુસ્તી છોડવાના નિર્ણય બાદ કુસ્તીબાજ બજરંગ પુનિયાએ શુક્રવારે મેડલ પરત કરવાની જાહેરાત કરી હતી. હવે આ શ્રેણીમાં વધુ એક ખેલાડી સામેલ થયા છે. ડેફલિમ્પિક્સના સુવર્ણ ચંદ્રક વિજેતા વીરેન્દ્ર સિંહ યાદવે જે મૂંગા કુસ્તીબાજ તરીકે ઓળખાય છે. તેણે હવે દેશના ટોચના કુસ્તીબાજોનો સાથ આપતા સરકારને પોતાનો પદ્મશ્રી પરત કરવાનો નિર્ણય લીધો છે. તેમણે બ્રિજભૂષણ શરણ સિંહના વફાદાર સંજય સિંહને WFI પ્રમુખ તરીકે ચૂંટવા સામે વાંધો ઉઠાવ્યો છે.વીરેન્દ્રએ કહ્યું કે બ્રિજ ભૂષણના નજીકના સહયોગીની ચૂંટણીના વિરોધમાં તેઓ સન્માન પરત કરશે.
તો આ તરફ વિરેન્દ્ર સિંહએ X પર લખ્યું કે હું મારી બહેન અને દેશની દીકરી માટે પદ્મશ્રી પરત કરીશ. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી, મને તમારી પુત્રી અને મારી બહેન સાક્ષી મલિક પર ગર્વ છે.” તેમણે સચિન તેંડુલકર અને નીરજ ચોપડા જેવી દેશની ખ્યાતનામ ખેલ હસ્તીઓને પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપવા વિનંતી કરી હતી. ક્રિકેટના દિગ્ગજ તેંડુલકર અને ઓલિમ્પિક ચેમ્પિયન ભાલા ફેંકનાર ચોપરાને પોતાની પોસ્ટમાં ટેગ કરતાં વીરેન્દ્રએ કહ્યું, “હું દેશના ટોચના ખેલાડીઓને પણ તેમનો અભિપ્રાય આપવા વિનંતી કરીશ.”
ઉલ્લેખનીય છે કે વીરેન્દ્ર સિંહ યાદવને 2021માં દેશનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી મળ્યો હતો. આ પહેલા તેમને 2015માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.