કર્ણાટકની રાજધાની બેંગલુરુની ગ્રામીણ સરહદ પર હોસ્કોટેમાં મંદિરનો પ્રસાદ ખાવાથી એક મહિલાનું મોત થયું હતું, જ્યારે લગભગ 70 લોકો બીમાર પડ્યા હતા. હોસ્પિટલમાં દાખલ 70 લોકોમાંથી કેટલાકને રજા આપી દેવામાં આવી છે, જ્યારે કેટલાકની સારવાર ચાલી રહી છે. આરોગ્ય વિભાગ પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે. પોલીસે આ શંકાસ્પદ ઝેરનું કારણ પૂજા સ્થળ પર આપવામાં આવતી ખાદ્ય ચીજોને ગણાવી છે.
શું છે મામલો?
કન્નડ મીડિયા અનુસાર, હનુમાન જયંતિના અવસરે શનિવારે હોસ્કોટના વેંકટરામનસ્વામી, ઉરુબગિલુ અંજનેયા અને કોટે અંજનેયસ્વામી મંદિરોમાં ભક્તોએ પુલયોગરે, પાયસા અને લાડુ ખાધા હતા. પ્રસાદ જમ્યા બાદ 70થી વધુ ભક્તો ઉલ્ટી અને ઝાડા-ઊલટીને કારણે રાતોરાત બીમાર પડ્યા હતા. તેમાંથી કેટલાકની હાલત નાજુક છે અને તેઓને સઘન તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. તેમાંથી કાવેરી નગરના રહેવાસી સિદ્ધગંગમ્મા (60)નું સોમવારે સવારે મૃત્યુ થયું હતું. અન્ય દર્દીઓ અન્ય હોસ્પિટલમાં દાખલ છે.
5 હોસ્પિટલોમાં આરોગ્ય વિભાગની ટીમ હાજર
શહેરની 5 અલગ-અલગ હોસ્પિટલમાં બીમાર દર્દીઓ દાખલ છે. આરોગ્ય વિભાગની ટીમ દરેક હોસ્પિટલમાં દર્દીઓ પર નજર રાખી રહી છે. પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રસાદ ખાધા બાદ લોકો બીમાર પડ્યા હતા, પરંતુ કેટલાક લોકો એવા પણ હતા જેમણે પ્રસાદ ખાધો ન હતો અને તેઓને ઉલ્ટી અને ઝાડા પણ થયા હતા.પોલીસનું કહેવું છે કે તેઓ ખાદ્ય અને આરોગ્ય વિભાગના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.