કુસ્તીબાજો અને WFI વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી બુધવારે વહેલી સવારે હરિયાણાના ઝજ્જરના છારા ગામમાં સ્થિત વીરેન્દ્ર રેસલિંગ એકેડમી પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ રેસલર અને ઓલિમ્પિયન બજરંગ પુનિયા સાથે મુલાકાત કરી હતી. તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહે WFI અધ્યક્ષ પદ માટે ચૂંટણી જીત્યા બાદ પુનિયાએ વડાપ્રધાનના નિવાસસ્થાન પાસે ફૂટપાથ પર પદ્મશ્રી પુરસ્કાર મૂક્યો હતો. તે જ સમયે સાક્ષી મલિકે નિવૃત્તિની જાહેરાત કરી હતી.
કોંગ્રેસના સાંસદ વહેલી સવારે વીરેન્દ્ર રેસલિંગ એકેડમી પહોંચ્યા અને અહીં પ્રેક્ટિસ કરી રહેલા કુસ્તીબાજો સાથે બજરંગ પુનિયાને મળ્યા. આ દરમિયાન ત્યાં હાજર લોકો રાહુલ ગાંધીને તેમની વચ્ચે જોઈને ચોંકી ગયા હતા.બધા ત્યાં જમીન પર બેસીને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે કુસ્તીબાજ વિનેશ ફોગાટે મંગળવારે પોતાનો ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ પરત કરવાનો નિર્ણય કર્યો અને કહ્યું કે તે વર્તમાન પરિસ્થિતિથી નિરાશ છે. ફોગાટે વડાપ્રધાનને લખેલા પત્રમાં પોતાના નિર્ણયની જાહેરાત કરી હતી. ફોગાટે કહ્યું,મને યાદ છે કે 2016માં જ્યારે સાક્ષી મલિકે ઓલિમ્પિક મેડલ જીત્યો ત્યારે સરકારે તેને બેટી બચાવો બેટી પઢાવો અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી હતી.
જ્યારે અમને આ વિશે ખબર પડી ત્યારે દેશની મહિલાઓ ખુશ થઈ ગઈ હતી અને એકબીજાને અભિનંદન સંદેશ મોકલી રહી હતી. ફોગાટે કહ્યું કે મેં ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું સપનું જોયું હતું પરંતુ હવે આ સપનું પણ અધૂરું પડી રહ્યું છે. હું માત્ર પ્રાર્થના કરીશ કે આવનારી મહિલા ખેલાડીઓનું આ સપનું ચોક્કસપણે પૂરું થાય.