એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મની લોન્ડરિંગ કેસમાં પહેલીવાર પ્રિયંકા ગાંધીનો ઉલ્લેખ કર્યો છે. આ મામલો NRI બિઝનેસમેન સીસી થમ્પી સાથે જેડાયેલો છે. જેમાં પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પણ આરોપી છે.
ત્યારે હવે કેસમાં નામ આવતા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી માટે નવી મુશ્કેલી ઉભી થઈ છે. વાસ્તવમાં,ઇડીએ જમીનની ખરીદી સંબંધિત કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં પ્રિયંકા ગાંધીનો પણ ઉલ્લેખ છે. જોકે તેને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો નથી. પરંતુ તેમના પતિ રોબર્ટ વાડ્રાનું નામ ચોક્કસપણે સામેલ કરવામાં આવ્યું છે.
શું છે મામલો ? જાણો
તમને જણાવી દઈએ કે આ સમગ્ર મામલો હરિયાણાના ફરીદાબાદમાં જમીન ખરીદી સાથે જોડાયેલો છે. માહિતી અનુસાર, 2005-2006ની વચ્ચે, રોબર્ટ વાડ્રાએ ફરીદાબાદના અમીપુર ગામમાં પ્રોપર્ટી ડીલર એચએલ પાહવા (થમ્પીની નજીક) દ્વારા લગભગ 40.8 એકર જમીન ખરીદી હતી. જે ડિસેમ્બર 2010માં પાહવાને પાછી વેચી દેવામાં આવી હતી.
એ જ રીતે, એપ્રિલ 2006માં આ જ અમીપુર ગામમાં પ્રિયંકા ગાંધી વાડ્રાના નામે એક ઘર ખરીદવામાં આવ્યું હતું, જે ફેબ્રુઆરી 2010માં પાહવાને વેચવામાં આવ્યું હતું. EDનું કહેવું છે કે વાડ્રા અને થમ્પી વચ્ચે લાંબા સંબંધ છે. અને સમાન બિઝનેસ કરવા સિવાય બંને એકસાથે ઘણી વસ્તુઓ કરે છે. આ એક મોટો કેસ છે, જે ભાગેડુ હથિયાર ડીલર સંજય ભંડારી સાથે સંબંધિત છે.