ભારતે હાફિઝ સઈદના પ્રત્યાર્પણ માટે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને ઔપચારિક માંગણી કરી છે. આ ખબર પાકિસ્તાનના એક મિડિયાએ બહાર પાડી છે. તમને જણાવી દઈએ કે લશ્કર-એ-તૈયબાના સ્થાપક અને ખતરનાક આતંકવાદી હાફિઝ સઈદી પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ છે.
પાકિસ્તાની મીડિયા ઈસ્લામાબાદ પોસ્ટ દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. દાવા મુજબ, ભારત સરકારે પાકિસ્તાન પાસેથી હાફિઝ સઈદના પ્રત્યાર્પણની ઔપચારિક વિનંતી કરી છે. ઈસ્લામાબાદ પોસ્ટના દાવા મુજબ, રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને ભારત સરકાર તરફથી એક સત્તાવાર વિનંતી મળી છે. જેમાં હાફિઝ સઈદના પ્રત્યાર્પણ માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવા વિનંતી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે હાફિઝ મોહમ્મદ સઈદ મુંબઈમાં 26/11 આતંકી હુમલાનો પણ માસ્ટરમાઇન્ડ છે. આ હુમલામાં છ અમેરિકન સહિત 166 લોકો માર્યા ગયા હતા. અમેરિકાએ પણ તેના સંગઠનને આતંકવાદી જાહેર કર્યું છે. અમેરિકાએ તેના પર 10 મિલિયન ડોલરનું ઈનામ રાખ્યું છે. હાલમાં, લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ મોહમ્મદ સઈદ પ્રતિબંધિત જમાત-ઉદ-દાવાના કેટલાક અન્ય નેતાઓ સાથે 2019થી જેલમાં છે. તેને આતંકવાદી ફંડિંગના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. સઈદની આગેવાની હેઠળની JuD એ લશ્કર-એ-તૈયબાનું આગળનું સંગઠન છે, જે 2008ના મુંબઈ હુમલાને અંજામ આપવા માટે જવાબદાર છે.