તાજેતરમાં જ કતારમાં ભારતના 8 જેટલા પૂર્વ નોસૈનિકોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. ત્યારે તેમના માટે રાહતના સમાચાર આવ્યા છે. કતારમાં ધરપકડ કરાયેલા 8 ભૂતપૂર્વ નેવી અધિકારીઓની મૃત્યુદંડ પર રોક લગાવવામાં આવ્યો છે. ગયા વર્ષે કતારમાં ધરપકડ કરાયેલા 8 ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના અધિકારીઓને કતારની અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી. કોર્ટના આ નિર્ણય પર ભારત સરકારે હસ્તક્ષેપ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભારતીય નૌકાદળના આ તમામ આઠ ભૂતપૂર્વ અધિકારીઓ ગયા વર્ષના ઓગસ્ટથી કતારની જેલમાં છે. જો કે કતારે હજુ સુધી આ તમામ પૂર્વ નોસૈનિકો પર લગાવેલા આરોપો અંગે માહિતી આપી નથી. જોકે આ અંગે જાણકારોનું કહેવું છે કે આ તમામ પર જાસૂસીનો આરોપ છે.
ભારતીય વિદેશ મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમે દહરા ગ્લોબલ કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ નેવી ઓફિસર અંગેના આજના નિર્ણયની નોંધ લીધી છે. જેમાં સજામાં ઘટાડો કરવામાં આવ્યો છે. કતારની કોર્ટ ઓફ અપીલનો વિગતવાર નિર્ણયનો અમે રાહ જોઇ રહ્યા છે. અમારું આગળનું પગલું શું હશે તે નક્કી કરવા અમે કાયદાની જાણકાર ટીમ તેમજ પરિવારના સભ્યો સાથે પણ સંપર્કમાં છીએ.”
મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા કમાન્ડર પૂર્ણન્દુ તિવારી કતારમાં ધરપકડ કરાયેલા 8 ભૂતપૂર્વ મરીનમાંથી એક છે. 2019માં પૂર્ણેન્દુ તિવારીને તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ પ્રવાસી ભારતીય પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. કંપનીની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર પૂર્ણન્દુ તિવારીએ ભારતીય નૌકાદળમાં ઘણા મોટા જહાજોને પણ કમાન્ડ કર્યા છે.