વર્ષ 2023 પૂરૂ થાય તે પહેલા રશિયાએ યુક્રેન પર આ વર્ષનો સૌથી મોટો અને ઘાતક હુમલો કર્યો છે. હુમલો એટલો જોરદાર હતો કે અનેક ઈમારતોના ટુકડા થઈ ગયા હતા. આ ભયાનક હુમલામાં ઘણા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ શુક્રવારે કહ્યું કે, રશિયાએ વર્ષના સૌથી મોટા હુમલાઓમાંના એકમાં એક રાતમાં યુક્રેન પર લગભગ 110 મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટાભાગની મિસાઇલો અને ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા અને હુમલામાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતા.
રશિયા દ્વારા આ વર્ષના સૌથી મોટા હુમલામાં ઘણા વધુ લોકો માર્યા જવાની આશંકા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘણા લોકો કાટમાળ નીચે દટાયા છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધવાનું કામ ચાલી રહ્યું છે. રશિયાના હુમલાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. હુમલા બાદ નજીકમાં પાર્ક કરાયેલા વાહનોને પણ ફોડવામાં આવ્યા હતા. વિસ્ફોટ એટલા ભયંકર હતા કે તેનો અવાજ આસપાસના અનેક શહેરોમાં સંભળાયો હતો.
ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે રશિયન દળોએ બેલેસ્ટિક અને ક્રુઝ મિસાઇલો સહિત વિવિધ પ્રકારના હથિયારોનો ઉપયોગ કર્યો હતો. યુક્રેનિયન એરફોર્સના પ્રવક્તા યુરી ઈહનતે જણાવ્યું હતું કે રશિયાએ સમગ્ર યુક્રેનમાં લક્ષ્યો પર હુમલો કરવા માટે “સ્પષ્ટપણે તેની પાસે જે હતું તેનો ઉપયોગ કર્યો હતો”. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુરુવારે શરૂ થયેલા અને લગભગ 18 કલાક સુધી ચાલુ રહેલા હુમલામાં રાજધાની કિવ અને પૂર્વ અને પશ્ચિમ યુક્રેનના વિસ્તારો સહિત છ શહેરોને નિશાન બનાવવામાં આવ્યા હતા.