વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં વિકાસ સહિત રમત ગમત ક્ષેત્રે પણ અગ્રેસર રહેવાની પરંપરા ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં 2024ના વર્ષના પ્રથમ દિવસે ફરી એકવાર પ્રસ્થાપિત કરી છે.ગુજરાતમાં એક સાથે 108 સ્થળોએ કુલ 50 હજારથી વધુ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર દ્વારા 2024ના વર્ષનો ભારતનો પ્રથમ રેકોર્ડ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવાની જ્વલંત સિદ્ધિ હાંસલ કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમત ગમત રાજયમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મહેસાણાના પ્રાચીન સૂર્યમંદિર મોઢેરાના પરિસરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સામુહિક સૂર્ય નમસ્કારના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું.રમત ગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાઓ ગ્રામ્ય,તાલુકા,જિલ્લા અને નગર મહાનગર કક્ષાએ એક માસ સુધી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત યોજવામાં આવી હતી. આ સ્પર્ધાઓના વિજેતા સાધકો દ્વારા મોઢેરા ખાતે સામૂહિક આયોજીત રાજ્યકક્ષાના સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુરસ્કાર રાશિ અર્પણ કરીને સન્માન કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત યોગ સાધકો-સૂર્ય નમસ્કાર કરનારા લોકોને પ્રેરણા આપતા જણાવ્યું કે,વિશ્વનેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનું ગૌરવગાન થયું છે.તેમણે યોગની પ્રાચીન પરંપરાને વિશ્વસમક્ષ ઉજાગર કરીને 21 મી જૂનને વિશ્વયોગ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરાવી અને યોગ સાધનાથી વિશ્વને જોડવાનું કાર્ય કર્યું છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગ-પ્રાણાયામ- સૂર્ય નમસ્કાર જેવી પ્રાચીન સ્વાસ્થ્ય વર્ધક વ્યાયામ અને કસરત પરંપરા વ્યક્તિને આધ્યાત્મિકતા સાથે પણ જોડનારી આગવી સંસ્કૃતિ છે તેનું ગૌરવ કર્યું હતું.મુખ્યમંત્રીએ ઉમેર્યું કે,દિર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્વદેશી સાથે સમગ્ર પૃથ્વીના હિતનો વિચાર કર્યો છે,તેના ફળ સ્વરૂપે દેશમાં યોજાયેલ જી-20 થી વસુધૈવ કુટુંબકમની ભાવના જાગૃત થઇ છે.મુખ્યમંત્રીએ સૂર્યની ઉપાસના અને આરાધના કરવાનો અનેરો અવસર સૂર્યમંદિર ખાતેથી પ્રાપ્ત થયો છે તે નવા વર્ષમાં નવી ઉર્જા અને ઉષ્મા સાથે દરેકના જીવનમાં આનંદ અને ઉન્માદ લાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે રાજ્યકક્ષાની સ્પર્ધાના વિજેતા ત્રણ પુરૂષ અને ત્રણ સ્ત્રી સ્પર્ધકોનું સન્માન કરવામાં આવ્યું હતું.પુરૂષ સ્પર્ધકોમાં પ્રથમ ક્રમે સાબરકાંઠાના કલ્પેશભાઇ સવજીભાઇ,બીજા ક્રમે ગીર સોમનાથના અનીલકુમાર બાંભણીયા અને ત્રીજા ક્રમે છોટાઉદેપુરના રાઠવા કરશનભાઇને સન્માનીત કરવામાં આવ્યા હતા.રાજ્યકક્ષાની સ્પર્ધાના સ્ત્રી ઉમેદવારોમાં પ્રથમ ક્રમે બનાસકાંઠાના પટેલ યાના વિનોદકુમાર,બીજા ક્રમે રાજકોટના વખારીયા દષ્ટી ચેતનકુમાર અને ત્રીજા ક્રમે મહેસાણાના પટેલ પૂજા ઘનશ્યામભાઇને સન્માનીત કરવામાં આવ્યા હતા.રાજ્યક્ષાના વિજેતાઓને અનુંક્રમે 2.50 લાખ, 1.75 લાખ અને એક લાખનુ્ં ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.