જાપાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ હજારો લોકો પ્રભાવિત થયા છે. ઈશિકાવામાં દરિયાના ઊંચા ઉછળતા મોજાએ લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.4 માપવામાં આવી છે. રશિયાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સુનામીનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ જાપાનના પશ્ચિમ કિનારે આવેલા ભૂકંપ બાદ સુનામીનો ખતરો છે. જાપાનમાં ભૂકંપ કેટલો ચિંતાજનક છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 33 હજારથી વધુ ઘરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.
ભારતીય દૂતાવાસ દ્વારા જાહેર કરાયો ઇમરજન્સી નંબર
સંવેદનશીલ અને ચિંતાજનક દ્રશ્યો વચ્ચે, ભારતીય દૂતાવાસ દ્વારા આપત્તિથી પ્રભાવિત લોકોની મદદ માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યો છે. ભારતીય દૂતાવાસે સંપર્ક માટે ઈ-મેલ એડ્રેસ પણ બહાર પાડ્યું છે. યાકુબ ટોપનો, અજય સેઠી અને ડીએન બર્નવાલ ઉપરાંત એસ ભટ્ટાચાર્ય અને વિવેક રાઠીના નંબર જાહેર કરવામાં આવ્યા છે.
દૂતાવાસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 1 જાન્યુઆરી, 2024ના રોજ આવેલા શક્તિશાળી ભૂકંપ અને સુનામીના સંબંધમાં આપત્તિ પ્રભાવિત લોકોની મદદ માટે એક ઇમરજન્સી કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. જાપાનમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે કોઈપણ સહાયતા માટે, આપત્તિ પ્રભાવિત વસ્તી પાંચ અધિકારીઓનો સંપર્ક કરી શકે છે અને બે ઈ-મેલ આઈડી – sscons.tokyo@mea.gov.in અને offffseco.tokyo@mea.gov.in પર પણ સંપર્ક કરી શકે છે.
એમ્બેસીના જણાવ્યા અનુસાર મદદ મેળવવા માટે ઈમરજન્સી નંબર અને ઈમેલ આઈડીનો સંપર્ક કરવા સિવાય, સ્થાનિક પ્રશાસન અને સરકારની સૂચનાઓનું પાલન કરો. દૂતાવાસે ખાતરી આપી છે કે અધિકારીઓ સંબંધિત અધિકારીઓના સંપર્કમાં છે.