ભારતીય કુસ્તી સંઘને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે નવો વળાંક આવ્યો છે. હમણાં સુધી આંદોલન કરનાર અને પોતાના પદક પાછા આપનાર સાક્ષી મલિક,બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ સામે વિરોધ શરૂ થયો છે. બુધવારે મોટી સંખ્યામાં કુસ્તીબાજો જંતર-મંતર પર એકઠા થઇ આ ત્રણનો વિરોધ કર્યો હતો. આ લોકોના હાથમાં બેનર પણ હતા જેના પર સૂત્રો લખેલા હતા. તેમાંથી એકમાં લખ્યું હતું- સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે દેશની કુસ્તીને બરબાદ કરી છે. વિરોધ કરનાર જુનિયર રેસલરો યુપી, હરિયાણા અને દિલ્હીથી બસો દ્વારા આવ્યા છે.
જો કે આ બાબતે પોલીસને કંઇ પણ જાણકારી ન હોવાનું તેઓ કહી રહ્યા છે. આ આંદોલનકારી જુનિયર કુસ્તીબાજોમાં બાગપતના છપરાૌલીના 300 લોકો છે. આ સિવાય નરેલાની વીરેન્દ્ર રેસલિંગ એકેડમીમાંથી પણ કેટલાક લોકો આવ્યા છે.મળતી માહિતી મુજબ હજી પણ ઘણાં પહેલવાનો આમાં જોડાવાના છે. અને જંતર-મંતર પર જ વિરોધ પ્રદર્શન કરશે. જ્યાં સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ એક મહિનાથી વધુ સમયથી અડગ રહ્યા હતા. જંતર-મંતર પહોંચ્યા બાદ આ લોકોએ ત્રણ વરિષ્ઠ રેસલર્સ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
ત્યારે આ વચ્ચે સાક્ષી મલિકે આરોપ લગાવ્યો છે કે બ્રિજભૂષણ શરણ સિંહના ગુંડાઓ સક્રિય થઈ ગયા છે. તેણે કહ્યું કે મારી માતાને ફોન પર ધમકીઓ મળી રહી છે. સાક્ષી મલિકે કહ્યું, અમારી સુરક્ષા કરવાની જવાબદારી સરકારની છે. આપણે જાણીએ છીએ કે બ્રિજ ભૂષણ પ્રભાવશાળી છે. પરંતુ એવા અંદાજો ન હતો કે તે પોતાના જ ઘરે બેસીને કોઈની સાથે પણ વાત કર્યા વગર નેશનલ્સનું એલાન કરી દેશે. હવે અમારા પર જુનિયર લોકોની કારકિર્દી બરબાદ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. અમે કુસ્તીમાંથી સંન્યાસ લઈ લીધો છે. અમે નથી ઈચ્છતા કે અમારા કારણે જુનિયરોની કારકિર્દી બરબાદ થાય.