ભારત અને માલદીવ વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ટૂંક સમયમાં ભારતની મુલાકાત લઈ શકે છે.માલદીવે આ મહિનાના અંતમાં રાષ્ટ્રપતિ મુઇઝુની ભારત મુલાકાતનો પ્રસ્તાવ મૂક્યો છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ અહીં બીચ પરથી પોતાની તસવીરો પણ શેર કરી અને લોકોને અપીલ કરી કે તેઓ વિદેશને બદલે દેશની અંદર જ પ્રવાસ કરે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ આને માલદીવ માટે આંચકો ગણાવ્યો હતો. આ પછી ત્યાંના મંત્રીઓએ ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું.
આ નિવેદનોને ભારત-માલદીવના સંબંધો માટે એક મોટો ફટકો ગણાવવામાં આવી રહ્યો છે. મોહમ્મદ મુઇઝ્ઝુના રાષ્ટ્રપતિ બન્યા બાદ બન્ને દેશોના સંબંધની ગાડી સતત પાટા પરથી ઉતરી રહી હતી. બોલિવૂડની ઘણી હસ્તીઓ અને સામાન્ય લોકો આ અંગે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. #BycottMaldives ભારતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્રેન્ડ કરી રહ્યું છે. દરમિયાન, માલદીવ સરકારે આ નુકસાનની ભરપાઈ કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે.
રાષ્ટ્રપતિ મુઇઝુએ ગયા વર્ષે નવેમ્બરમાં પદ સંભાળ્યું હતું. સત્તામાં આવ્યા બાદ તેઓ અત્યાર સુધી તુર્કી, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ચીનની મુલાકાત લઈ ચૂક્યા છે. જ્યારે આ પહેલા માલદીવના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ પહેલા ભારતની મુલાકાત લેતા હતા. મુઇઝુ સરકારના મંત્રીઓ દ્વારા અપમાનજનક ટિપ્પણીઓને લઈને વર્તમાન રાજદ્વારી કટોકટી ઊભી થાય તે પહેલાં તેમને ભારત મુલાકાતની દરખાસ્ત કરવામાં આવી હતી. પરંતુ તેઓ ભારત આવ્યા ન હતા.આ પછી માલદીવ સરકારે વિવાદાસ્પદ નિવેદન આપનારા ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા હતા.