માલદીવના ત્રણ નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ ભારત અને માલદીવ વચ્ચે રાજદ્વારી વિવાદ ઉભો થયો હતો. ભારતે આની સખત નિંદા કરી અને માલદીવના રાજદૂતને બોલાવીને વિરોધ નોંધાવ્યો. હવે માલદીવ સાથે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ પર વિદેશ મંત્રી એસ જયશંકરે આખરે પોતાનું મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે કોઈ પણ એવી જવાબદારી ન લઈ શકે કે દરેક જણ ભારતને હંમેશા સાથ આપશે.
નાગપુરમાં તાજેતરની ટાઉનહોલ મીટિંગ દરમિયાન માલદીવ સાથેના તણાવ વિશે પૂછવામાં આવતા જયશંકરે કહ્યું, ‘રાજનીતિ એ રાજનીતિ જ છે. હું બાંહેધરી આપી શકતો નથી કે દરેક દેશમાં દરેક વ્યક્તિ અમને ટેકો આપશે. અથવા હંમેશા અમારી સાથે સંમત થશે. તેમણે આગળ કહ્યું, ‘અમે જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે છે દેશો સાથે કનેક્ટિવિટી મજબૂત કરવાનો. અમે ઘણી હદ સુધી સફળ થયા છીએ. અમે છેલ્લા 10 વર્ષમાં ઘણા દેશો સાથે સારા સંબંધો બનાવ્યા છે.
જયશંકરે રાજકીય સંબંધોમાં ઉતાર-ચઢાવ હોવા છતાં લોકોમાં સકારાત્મક ભાવનાઓને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીને વૈશ્વિક સ્તરે મજબૂત સંબંધો બનાવવા માટે છેલ્લા એક દાયકામાં ભારતના પ્રયાસોને રેખાંકિત કર્યા હતા. તેમણે કહ્યું કે રાજકારણ અસ્થિર હોઈ શકે છે, પરંતુ તે દેશના લોકો ભારત પ્રત્યે સારી લાગણી ધરાવે છે અને સારા સંબંધો રાખવાનું મહત્વ સમજે છે. વધુમાં, તેમણે અન્ય દેશોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં ભારતની ભાગીદારીનો પણ ઉલ્લેખ કર્યો હતો.