TSRERAના સચિવ અને મેટ્રો રેલવેના પ્લાનિંગ ઓફિસર એસ.બાલકૃષ્ણના ઠેકાણાઓ પરથી 100 કરોડ રૂપિયાથી વધુનું કાળું નાણું ઝડપાયું છે. એસીબી વતી બુધવારે તેલંગાણા સ્ટેટ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (TSRERA)ના સચિવ અને મેટ્રો રેલના પ્લાનિંગ ઓફિસર એસ. બાલકૃષ્ણના ઘર, ઓફિસો, તેમના સંબંધીઓને ત્યાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 100 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. દરોડા દરમિયાન અત્યાર સુધીમાં લગભગ 40 લાખ રૂપિયા રોકડા, 2 કિલો સોનું, જંગમ-અચલ સંપત્તિના દસ્તાવેજો, 60 મોંઘી કાંડા ઘડિયાળો, 14 મોબાઈલ ફોન અને 10 લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે.
આરોપી અધિકારી બાલકૃષ્ણના બેંક લોકર હજુ સુધી ખોલવામાં આવ્યા નથી. એવું માનવામાં આવી રહ્યુ છે કે ટીમને તેમની પાસે મોટી સંપત્તિની વિગતો પણ મળી છે. એસીબીએ ઓછામાં ઓછી ચાર બેંકોમાં લોકરની ઓળખ કરી છે. એસીબીના અધિકારીઓને આરોપી અધિકારીના નિવાસસ્થાને રોકડ ગણતરીના મશીનો મળ્યા હોવાના પણ અહેવાલ છે. HMDAમાં ફરજ બજાવતા ત્યારથી તેણે કથિત રીતે સંપત્તિઓ જમા કરી હતી. ત્યારે તપાસમાં વધુ સંપતિઓ બહાર આવવાની શક્યતા છે.
કોણ છે આરોપી સરકારી અઘિકારી ?
આરોપી અધિકારી કાળા નાણાના કુબેર એસ.બાલકૃષ્ણ હાલમાં તેલંગાણા સ્ટેટ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (TSRERA)ના સચિવ અને મેટ્રો રેલમાં પ્લાનિંગ ઓફિસર તરીકે પોસ્ટેડ છે. અગાઉ તેમણે હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી (HMDA)માં ટાઉન પ્લાનિંગના ડિરેક્ટર તરીકે પણ સેવા આપી હતી.