હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચનો પ્રથમ દિવસ ભારતના નામે રહ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લિશ ટીમ 246 રનમાં સમેટાઈ ગઈ હતી. જે બાદ ભારતે દિવસની રમત પૂરી થવા સુધી 1 વિકેટના નુકસાને 119 રન બનાવી લીધા હતા. યશસ્વી જયસ્વાલ 76 રન અને શુભમન ગિલ 14 રન બનાવીને ક્રિઝ પર હાજર છે. ભારતને એકમાત્ર ફટકો કેપ્ટન રોહિત શર્માના રૂપમાં લાગ્યો હતો, જેને 24ના અંગત સ્કોર પર જેક લીચે પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલની જોડીએ ભારતીય ઇનિંગ્સની શરૂઆત મજબૂત રીતે કરી હતી. ભારતે 7મી ઓવરમાં જ 50 રનનો આંકડો પાર કરી લીધો હતો. યશસ્વી જયસ્વાલે પોતાની તોફાની બેટિંગ ચાલુ રાખી અને 47 બોલમાં અડધી સદી ફટકારી. ભારતને પહેલો ફટકો 80ના સ્કોર પર રોહિત શર્મા (24)ના રૂપમાં લાગ્યો હતો, જેક લીચે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ભારતે 19મી ઓવરમાં 100 રન પૂરા કર્યા. દિવસની રમતના અંતે, ભારત 127 રનથી પાછળ છે.
ઈંગ્લેન્ડની ઈનિંગની વાત કરીએ તો કેપ્ટન બેન સ્ટોક્સે 70 રનની શાનદાર ઈનિંગ રમી હતી, તેના સિવાય અન્ય કોઈ ઈંગ્લિશ બેટ્સમેન 50 રનનો આંકડો પાર કરી શક્યો નહોતો. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ લીધી હતી. આ સિવાય જસપ્રિત બુમરાહ અને અક્ષર પટેલને 2-2 સફળતા મળી છે.