અયોધ્યામાં તૈયાર થયેલા રામમંદિરમાં રામલલાના દર્શનને લઇને કરોડો લોકોમાં આતુરતા અને આસ્થા છે. રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ 23 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી લગભગ 20 લાખ શ્રદ્ધાળુઓએ અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા હતા. ભક્તોની વધતી જતી ભીડને જોતા મંદિરે દર્શનનો સમય પણ વધારી દીધો છે. લાખો લોકો રામલલા દર્શન માટે ઉમટી રહ્યા છે. આ દરમિયાન માત્ર હિંદુઓ જ નહીં પરંતુ મુસ્લિમ સમુદાયના લોકો પણ અયોધ્યા પહોંચ્યા હતા. 250 મુસ્લિમ રામ ભક્તોએ અયોધ્યા ખાતે રામલલાના દર્શન કર્યા હતા. અને ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા.
25 જાન્યુઆરીએ સેંકડો મુસ્લિમ રામ ભક્તોનું એક જૂથ લખનૌ, યુપીથી અયોધ્યા માટે રવાના થયું હતુ. આવી સ્થિતિમાં 30 જાન્યુઆરીએ લગભગ 250 લોકો રામ મંદિર પહોંચ્યા હતા. એક ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ અનુસાર દર્શન માટે આવેલા મુસ્લિમ સમુદાયના આ લોકો ભગવાન રામને પોતાના પૂર્વજ માને છે.
તમને જણાવી દઈએ કે રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરી 2024ના રોજ થયો હતો. રામ મંદિર 23 જાન્યુઆરીથી સામાન્ય જનતા માટે ખોલવામાં આવ્યું હતું. 23 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી લગભગ 20 લાખ લોકોએ રામલલાના દર્શન કર્યા હતા. ભક્તોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને મંદિરે દર્શનનો સમય એક કલાક વધારી દીધો છે. એટલું જ નહીં, 22 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધીમાં 5 કરોડ 60 લાખથી વધુ લોકોએ દાન આપ્યું છે.