બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન માટે વર્ષ 2021 ખૂબ જ મુશ્કેલ હતું. ઓક્ટોબર 2021માં શાહરૂખના મોટા પુત્ર આર્યન ખાનની ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે આર્યન ખાન થોડા મહિના પછી જેલમાંથી છૂટ્યો હતો.
હવે આ કેસને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. એવા અહેવાલ છે કે ડ્રગ્સના કેસમાં આર્યન ખાનની ધરપકડ કરનાર NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)ના પૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની મુશ્કેલીઓ વધી ગઈ છે.
EDએ સમીર વાનખેડે વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. સમીર વાનખેડે પર આર્યન ખાનની ધરપકડ બાદ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પરિવાર પાસેથી 25 કરોડ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે. શનિવારે સીબીઆઈની એફઆઈઆરને ધ્યાનમાં લઈને ઈડીએ આ કેસ નોંધ્યો છે.
એક અહેવાલ અનુસાર, કેન્દ્રીય એજન્સીએ સમીર વાનખેડે વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધ્યો છે. આ સાથે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના કેટલાક પૂર્વ અધિકારીઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાની અને કેસમાં NCBના સ્વતંત્ર સાક્ષી પ્રભાકર સાલેએ તેમના નિવેદનમાં પુષ્ટિ કરી હતી કે તેઓએ લાંચ માંગી હતી. પ્રભાકર સેલે તો ત્યાં સુધી કહ્યું હતું કે તેણે ફોન પર 25 કરોડની લાંચની વાત સાંભળી હતી. ટોકન મની તરીકે રૂપિયા 50 લાખની પણ વાત કરવામાં આવી હતી. જો કે, તે દરમિયાન પ્રભાકર સાલે 2022 માં હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા હતા.
આર્યન ખાનની 2 ઓક્ટોબર, 2021ના રોજ મુંબઈથી ગોવા સુધીની કોર્ડેલિયા ક્રૂઝ પર કથિત ડ્રગ બસ્ટમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં સમીર વાનખેડેની ટીમે આર્યન ખાન સહિત 16 લોકોને આરોપી બનાવ્યા હતા અને કુલ 19 લોકોની ધરપકડ કરી હતી. આ કેસમાં ત્રણ અઠવાડિયા સુધી જેલમાં રહ્યા બાદ તેમને બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળવા પડ્યા હતા. આર્યન ખાન વિરુદ્ધ કોઈ પુરાવા ન મળવાને કારણે NCBએ બાદમાં તેને આ કેસમાં ક્લીનચીટ આપી હતી.