1993ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ વિસ્ફોટના આરોપી અબ્દુલ કરીમ ટુંડાને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. ટાડા કોર્ટે અબ્દુલ કરીમ ટુંડાને કોઈપણ કેસમાં દોષિત ઠેરવ્યો નથી. રાજસ્થાનના અજમેરની TADA કોર્ટે આ નિર્ણય આપ્યો છે. વિસ્ફોટના લગભગ 31 વર્ષ બાદ દરેક લોકો કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા. હવે કોર્ટે અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કર્યા છે. આ સાથે ટાડા કોર્ટે ઈરફાન અને હમીદુદ્દીનને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે બંનેને આજીવન કેદની સજા ફટકારી છે.
જણાવી દઈએ કે વર્ષ 1993માં મુંબઈ, કાનપુર, હૈદરાબાદ, સુરત અને લખનઉની કેટલીક ટ્રેનોમાં એક પછી એક બ્લાસ્ટ થયા હતા. આ કેસમાં અબ્દુલ કરીબ ટુંડા, ઈરફાન અને હમીમુદ્દીન પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. અબ્દુલ કરીમ ટુંડા 2013માં નેપાળ બોર્ડર પરથી ઝડપાયો હતો. તમામ આરોપીઓ સામે TADA એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં 150 થી વધુ લોકોએ જુબાની આપી છે.
અબ્દુલ કરીમ ટુંડા વિશે કહેવાય છે કે તે ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાનો રહેવાસી છે. તે પીલખુવામાં સુથારનું કામ કરતો હતો. એવી શંકા છે કે અબ્દુલ કરીમ ટુંડા ખતરનાક આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ટુંડાએ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI પાસેથી આતંક ફેલાવવાની તાલીમ લીધી છે. 6 ડિસેમ્બર, 1993 ના રોજ, બાબરી મસ્જિદ ધ્વંસની પ્રથમ વર્ષગાંઠ પર, આતંકવાદીઓએ એક ટ્રેનમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કર્યા હતા. આ કેસમાં કુલ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ બ્લાસ્ટના પીડિત વર્ષોથી ન્યાયની રાહ જોઈ રહ્યા હતા. હવે ટાટા કોર્ટે આ મામલે અંતિમ ચુકાદો આપ્યો છે.
TADA કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ 23 ફેબ્રુઆરીએ પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. એવું કહેવાય છે કે એક મસ્જિદમાં મીટિંગ દરમિયાન પાઇપ ગનથી ફાયરિંગ થવાને કારણે અબ્દુલ કરીમે પોતાનો એક હાથ ગુમાવ્યો હતો. ત્યારથી તેનું નામ ટુંડા હતું.1993ના બોમ્બ વિસ્ફોટોમાં ટુંડાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો.