આંધ્રપ્રદેશમાં શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા. ટ્રેક્ટર અને કારની ટક્કરથી આ અકસ્માત સર્જાયો હતો. આંધ્રપ્રદેશના બોંથાપાડુ વિસ્તારમાં વિજયવાડા-ચેન્નઈ નેશનલ હાઈવે પર એક ટ્રેક્ટર અને કારની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 2 મહિલા અને 1 પુરૂષનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 3 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
પરિવાર લગ્નમાંથી પરત ફરી રહ્યો હતો
પોલીસે જણાવ્યું કે અકસ્માત સમયે કારમાં 6 લોકો હતા. બધા જુલાકલ્લુથી લગ્ન સમારોહમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા. પોલીસ અધિકારીએ કહ્યું કે ઘટનાસ્થળે મૃત મળી આવેલા ત્રણ લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે, જ્યારે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. ટ્રેક્ટર ચાલક વિશે માહિતી મળી શકી નથી.
4 દિવસ પહેલા પણ નેશનલ હાઈવે પર અકસ્માત થયો હતો
આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લામાં 4 દિવસ પહેલા એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. અહીં નેશનલ હાઈવે પર રોડ કિનારે ઉભેલી ટ્રક સાથે સરકારી બસ અથડાઈ હતી, જેના કારણે 4 લોકોના મોત થયા હતા. આંધ્રપ્રદેશ ટ્રાન્સપોર્ટની બસ રાજમહેન્દ્રવરમ તરફ જઈ રહી હતી ત્યારે પંકચર ટાયર બદલવા માટે ઉભેલી બસ સાથે અથડાઈ હતી. બસમાં સવાર ચાર મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.