દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાના હેકર્સ પર સાયબર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. દક્ષિણ કોરિયાની જાસૂસી સંસ્થા નેશનલ ઈન્ટેલિજન્સ સર્વિસ (NIS)ના જણાવ્યા અનુસાર ઉત્તર કોરિયાના હેકર્સે દક્ષિણ કોરિયાના ચિપ ઈક્વિપમેન્ટ ઉત્પાદકો પર સાયબર હુમલો કર્યો છે. એનઆઈએસનું કહેવું છે કે આ દિવસોમાં ઉત્તર કોરિયા તેના હથિયાર કાર્યક્રમો માટે સેમિકન્ડક્ટર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. એજન્સીએ ચિપ ઉદ્યોગની અન્ય કંપનીઓને પણ સાયબર હુમલા અંગે સાવધ રહેવાની ચેતવણી આપી છે.
NISએ શું કહ્યું?
NISએ પોતાના નિવેદનમાં કહ્યું કે ઉત્તર કોરિયા પ્રતિબંધોને કારણે ચિપ્સ ખરીદવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે અને તેના કારણે તે પોતાની ચિપ્સ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. ઉત્તર કોરિયાને સંભવતઃ હાલમાં ઉપગ્રહો અને મિસાઇલો તેમજ અન્ય ઘણા લશ્કરી શસ્ત્રો માટે ચિપ્સની જરૂર છે. એજન્સીએ જણાવ્યું હતું કે ગયા વર્ષના અંતથી દક્ષિણ કોરિયાની કંપનીઓ ઉત્તર કોરિયાના હેકર્સનું મુખ્ય લક્ષ્ય છે.
ગયા વર્ષે રાષ્ટ્રપતિના સહયોગીનો ઈમેલ હેક કરવામાં આવ્યો હતો
ગયા વર્ષે ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલના એક સહયોગીનું ઈમેલ એકાઉન્ટ હેક કર્યું હતું. આ બાબતે રાષ્ટ્રપતિ યૂનના કાર્યાલયે કહ્યું હતું કે સહાયકના ઈમેલ એકાઉન્ટમાં ભંગ કરવો એ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન છે અને તેની સત્તાવાર સિસ્ટમ હેક કરવામાં આવી નથી. એજન્સીએ કહ્યું છે કે હેકર્સે ચિપ કંપનીઓના સર્વરને હેક કરવા માટે ‘લિવિંગ ઓફ ધ લેન્ડ’ ટેકનિકનો ઉપયોગ કર્યો છે.