અમેરિકન ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ કંપની ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) એલોન મસ્ક આ મહિને ભારતની મુલાકાતે આવશે. ભારત પ્રવાસ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.
ઇલોન મસ્કએ પોતાની એક્સ હેન્ડલ પોસ્ટ પર કહ્યું છે કે, “ભારતમાં વડાપ્રધાન મોદીને મળવા માટે આતુર છું.” મસ્ક ભારતમાં ટેસ્લાની રોકાણ યોજનાની પણ જાહેરાત કરી શકે છે. આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મસ્ક અત્યાર સુધીમાં બે વખત મળ્યા છે. વડાપ્રધાન મસ્કને 2015માં કેલિફોર્નિયામાં ટેસ્લા ફેક્ટરીમાં પ્રથમ વખત મળ્યા હતા. આ પછી, બંને જૂન 2023 માં ન્યૂયોર્કમાં મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ઈલોન મસ્ક તેમની કંપની ટેસ્લાને ભારતીય બજારમાં લોન્ચ કરવા જઈ રહ્યા છે. ભારતમાં ટેસ્લાના ઇલેક્ટ્રિક વ્હીકલને લોન્ચ કરવાની યોજના પર કામ શરૂ થઈ ગયું છે. ટેસ્લા એ વિશ્વમાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરતી સૌથી મોટી કંપનીઓમાંની એક છે. ટેસ્લાએ હજુ સુધી ભારતમાં કોઈ મોડલ લોન્ચ કર્યું નથી. વિશ્વમાં વાહનોના વેચાણ પર નજર કરીએ તો આ વાહનો માટે ભારત ત્રીજું સૌથી મોટું બજાર છે.