ભારતીય હવામાન વિભાગે આજથી ચાર દિવસ સુધી 19 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
- હાઈલાઈટ્સ :
- 19 રાજ્યોમાં 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી
- મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં રેડ એલર્ટ
- મુંબઈ સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદ
- ભારે વરસાદને લઈને લોકોએ સાવચેત રહેવા સૂચના
- ગુજરાતનાં અનેક જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી
- સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ નોંધાયો
હાલમાં, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર-પૂર્વ, મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટકમાં મૂશળધાર વરસાદ અને પૂરને કારણે નદીઓ અને નાળાઓ ઉભરાઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહાર અને આસામ સહિત ઘણા રાજ્યોમાં પૂરનું વિકરાળ સ્વરૂપ ડરામણું છે. ભારતીય હવામાન વિભાગે આજથી ચાર દિવસ સુધી 19 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે
હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે કેરળ, ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડશે. વિભાગે આ રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગાહીમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તરાખંડમાં 17 અને 18 જુલાઈએ, પૂર્વ રાજસ્થાનમાં 18 જુલાઈએ, ઓડિશામાં 19 જુલાઈએ અને આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 18 અને 19 જુલાઈએ ભારે વરસાદ પડશે. વિભાગે આ રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
ભારતીય હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, બિહાર, ઝારખંડ, ઓડિશા, ઉત્તર-પૂર્વ અને દક્ષિણ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી છે. છેલ્લા 24 કલાકમાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થયો છે. ગુજરાતના વલસાડ અને નવસારીમાં ઘરોમાં પાણી ઘુસી ગયા છે. કેરળના સાત જિલ્લા અને કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લામાં ભારે વરસાદને કારણે સોમવારે શાળાઓ અને કોલેજો બંધ રહી હતી.
દેશમાં હાલમાં ચોમાસુ તેની ટોચ પર છે. ભારતનો ભાગ્યે જ કોઈ એવો ભાગ હશે જ્યાં આ સમયે વરસાદ ન પડ્યો હોય. વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ તેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. યુપી-બિહારથી લઈને ગુજરાત સુધી કુદરતનો કોપ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે.ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. બીજી તરફ પૂર અને વરસાદે મેદાની વિસ્તારોમાં તબાહી મચાવી છે. હાલમાં ઉત્તર પ્રદેશના ડઝનબંધ જિલ્લાઓ પૂર અને વરસાદને કારણે ખરાબ હાલતમાં છે. પીલીભીતમાં ઘરોમાં મગરો ફરે છે.અધિકારીઓના ઘર ડૂબી ગયા છે. રસ્તાઓ તળાવ બની ગયા છે.