વ્યાપક કર્ફ્યુ અને કડક જોગવાઈઓ છતાં બાંગ્લાદેશમાં ચાલી રહેલા અનામત વિરોધી આંદોલનની આગ પ્રસરી રહી છે. સ્થિતિ એવી છે કે શનિવારે રાજધાની ઢાકામાં થયેલી હિંસક અથડામણમાં 10 લોકોના મોત થયા હતા અને ઓછામાં ઓછા 90 લોકો ઘાયલ થયા હતા. મૃત્યુ પામેલાઓમાં બે પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે.
હાઈલાઈટ્સ :
- PM શેખ હસીનાનો મોટો નિર્ણય
- બાંગ્લાદેશમાં લગાવવામાં આવ્યો કર્ફ્યુ
- બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં 114 લોકોના મોત
રાજધાની સહિત દેશના વિવિધ ભાગોમાં અનામત વિરોધી આંદોલન દરમિયાન મોટા પાયે હિંસક ઘટનાઓને જોતા પોલીસે શનિવારે રાજધાનીના ઘણા ભાગોમાં કડક કર્ફ્યુ લાદી દીધો હતો.પોલીસને બદમાશોને જોતા જ ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો છે. આમ છતાં હિંસા અટકી રહી નથી.
બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલન દરમિયાન મંગળવારથી શરૂ થયેલી હિંસામાં અત્યાર સુધીમાં લગભગ 114 લોકોના મોત થયા છે. સતત બગડતી પરિસ્થિતિ બાદ સરકારે શુક્રવારે મધરાતથી કર્ફ્યુ જાહેર કરી દેશભરમાં સેના તૈનાત કરી દીધી છે. વડા પ્રધાન શેખ હસીનાની સરકારે રવિવાર અને સોમવારને જાહેર રજા તરીકે જાહેર કરી હતી અને માત્ર ઇમરજન્સી સેવાઓને ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ બુધવારથી તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ બંધ હતી.
ઉલ્લેખનીય છે કે સરકારી નોકરીઓમાં ક્વોટા સામે વિદ્યાર્થીઓના ગુસ્સા બાદ દેશભરમાં અશાંતિ ફેલાઈ હતી.આ વિરોધ પાકિસ્તાનથી આઝાદી માટે લડનારાઓના પરિવાર માટે 30 ટકા અનામતને લઈને થઈ રહ્યો છે.હસીનાની સરકારે 2018 માં ક્વોટા સિસ્ટમ નાબૂદ કરી હતી, પરંતુ કોર્ટે ગયા મહિને તેને પુનઃસ્થાપિત કરી હતી. સુપ્રીમ કોર્ટે સરકારની અપીલ બાદ નિર્ણયને સ્થગિત કર્યો હતો અને સુનાવણી 7 ઓગસ્ટ સુધી મુલતવી રાખવા સંમત થતા રવિવારે કેસની સુનાવણી કરશે.