હાઈલાઈટ્સ
- દિલ્હી કોચિંગ ડેથ કેસમાં હાઈકોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી
- ત્રણ ઉમેદવારોના મોતને લઈને દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલ સરકારને ઠપકો આપ્યો
- હાઈકોર્ટે આમ આદમી પાર્ટી દ્વારા શાસિત કેજરીવાલ સરકારને ફટકાર લગાવી
દિલ્હીના એક કોચિંગ સેન્ટરના ભોંયરામાં UPSCની તૈયારી કરી રહેલા ત્રણ ઉમેદવારોના મોતને લઈને દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલ સરકારને ઠપકો આપ્યો છે. કેજરીવાલ સરકાર પર ટિપ્પણી કરતા દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે જ્યારે મફતના કલ્ચરને કારણે ટેક્સ કલેક્શન નથી થતું ત્યારે આવા અકસ્માતો થવાના જ છે.
રિપોર્ટ અનુસાર, આ મામલે દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસના ડીસીપી અને કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીને નોટિસ પાઠવીને શુક્રવારે તેમનો જવાબ માંગ્યો છે. તેમજ જુના રાજેન્દ્ર નગરના નાળાની સફાઈના આદેશો આપવામાં આવ્યા છે. દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની બેંચ દિલ્હી કોચિંગ સેન્ટર અકસ્માતના કેસની સુનાવણી કરી રહી છે. હાઈકોર્ટની બેન્ચે ટીપ્પણી કરી હતી કે પોલીસ એક વિચિત્ર તપાસ કરી રહી છે, જેમાં ફોર વ્હીલર ચલાવતા રાહદારીની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ, MCD અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
હાઈકોર્ટે આમ આદમી પાર્ટી દ્વારા શાસિત કેજરીવાલ સરકારને ફટકાર લગાવી અને કહ્યું કે જો તમે મફતની સંસ્કૃતિ ઈચ્છો છો અને કોઈ ટેક્સ વસૂલવા માંગતા નથી, તો આ નિશ્ચિત છે. આ જ કારણ છે કે સરકાર પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા માટે ફંડ નથી. કોર્ટે કહ્યું કે અમે બધા શહેરનો ભાગ છીએ અને આ ઘટના માટે તમામ હિતધારકો જવાબદાર છે.
આટલું જ નહીં, નાળાઓ ખોલવા અને બંધ કરવાનું કારણ પણ અમે છીએ, કારણ કે અમે અમારી જવાબદારી નિભાવી રહ્યા નથી. ખંડપીઠે એમ પણ કહ્યું હતું કે અમે હાલમાં પોલીસ પાસેથી અત્યાર સુધી લીધેલા પગલાં અંગે રિપોર્ટ માંગી રહ્યા છીએ.