Arvalli District Tourist in Kedarnath : કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના 17 જેટલા ગુજરાતી યાત્રિકો ઉત્તરાખંડમાં મોટી લિન્ચોલી નજીક વરસાદ અને લેન્ડ સ્લાઈડિંગને કારણે ફસાઈ ગયા હતાં.
હાઈલાઈટ્સ :
- કેદારનાથમાં લેન્ડ સ્લાઈડિંગમાં ફસાયેલા 17 ગુજરાતીઓને બચાવાયા
- તમામ મુસાફરોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા
- મુખ્યમંત્રીએ ઉત્તરાખંડમાં સરકાર સાથે વાતચીત કરી
- ઉત્તરાખંડના લિંચોલી પાસે મુસાફરો ફસાયા હતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ ફસાયેલા યાત્રિકો અંગેની જાણ થતાં જ તેમણે રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને આ યાત્રિકોને સલામત સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કાર્યવાહીનું તાબડતોડ સંકલન કરવા સૂચનાઓ આપી હતી. જેને પગલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી રાહત કમિશનર આલોક પાંડે (IAS Alok Pandey)એ ઉત્તરાખંડ સરકારના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશનનો સંપર્ક સાધીને આ ફસાયેલા ગુજરાતી યાત્રાળુઓની વિગતો અને સંપર્ક નંબર વગેરે પહોંચાડ્યા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ સમગ્ર ઘટનામાં રાહત કમિશ્નર અને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને સતત જરૂરી માર્ગદર્શન આપતા રહ્યા હતાં.
કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના 17 જેટલા ગુજરાતી યાત્રિકો વરસાદ અને લેન્ડ સ્લાઈડિંગને કારણે ફસાઈ ગયા હતા તેઓ સલામત નીચે આવી ગયા છે તે રાહતની વાત છે.
ગુજરાતના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે આ યાત્રિકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા તાત્કાલિક ઉત્તરાખંડના તંત્ર સાથે સંકલન…
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 2, 2024
ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાય કલાકોથી આભમાંથી વરસાદ રૂપી વરસી રહેલી આફતમાં ફસાયેલા ગુજરાતના ટુરીસ્ટને બચાવી લેવા માટે રાજ્ય સરકારના નેજા હેઠળ એક સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ચાર ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના 17 જેટલા ગુજરાતી યાત્રિકો ઉત્તરાખંડમાં કેદારનાથ ધામના દર્શન વખતે મોટી લિન્ચોલી નજીક વરસાદ અને લેન્ડ સ્લાઈડિંગને કારણે ફસાઈ ગયા હતાં. જેની જાણ ગુજરાતની સરકારને થતા તરત જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM Bhupendra Patel) રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને આ યાત્રિકોને સલામત સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કાર્યવાહીનું તાત્કાલિક સંકલન કરીને બચાવ અભિયાન હાથ ધરવાની સૂચના આપી હતી. જેને પગલે ઉત્તરાખંડ સરકારના સાથે સંકલન સાધીને ગુજરાતના તમામ યાત્રીઓને બચાવી લેવામાં આવ્યા હતા.
ગુજરાત સરકારની સુચનાને પગલે ઉત્તરાખંડ સરકારના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેંટર દ્વારા આ ફસાયેલા યાત્રાળુઓના રેસ્ક્યુ અંગે રુદ્રપ્રયાગ જિલ્લા કંટ્રોલ રૂમ સાથે પરામર્શમાં રહીને તત્કાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વાતાવરણ ક્લિયર થતાં જ ગુજરાતના આ બધા જ યાત્રિકોને હેલિકોપ્ટર દ્વારા એર લિફ્ટ કરીને ગણતરીના કલાકોમાં જ સલામત નીચે સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે.