હાઈલાઈટ્સ :
- મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં લાગેલી આગમાં 10 બાળકોના મોત
- PM મોદીએ બનેલી આગની દુર્ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો
- CM યોગી ઝાંસી મેડિકલ કોલેજ પહોંચ્યા, પીડિતોના પરિવારજનોને મળ્યા
- રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ થયેલી દુર્ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો
ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે લાગેલી આગમાં 10 બાળકોના મોત થયા છે. હોસ્પિટલમાં લાગેલી આગમાં દાઝી ગયેલા કેટલાય બાળકો હજુ પણ હોસ્પિટલમાં જીવવાની લડાઈ લડી રહ્યા છે.આ દરમિયાન, યુપીના સીએમ યોગી આદિત્યનાથ ઝાંસીની મેડિકલ હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં આ દુ:ખદ અકસ્માત થયો. સીએમ યોગી ઝાંસી પહોંચ્યા અને પીડિત પરિવારોને મળ્યા.
પીડિતો માટે વળતરની જાહેરાત કરી
રાજ્ય સરકારે શનિવારે મૃતકોના માતાપિતાને 5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. શુક્રવારે મોડી રાત્રે આ ઘટનાની માહિતી મળતાની સાથે જ મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક અને અગ્ર સચિવ આરોગ્યને ઘટનાસ્થળે મોકલ્યા હતા. મુખ્યમંત્રી આખી રાત ઘટના સ્થળેથી દરેક ક્ષણની માહિતી લેતા રહ્યા.મુખ્યમંત્રીએ ઝાંસીના ડિવિઝનલ કમિશનર અને ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીઆઈજી)ને 12 કલાકની અંદર ઘટના અંગે રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો છે.
શોર્ટ સર્કિટના કારણે આગ
જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) અવિનાશ કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU)માં શુક્રવારે રાત્રે લગભગ 11.45 વાગ્યે આગ લાગી હતી, જે સંભવતઃ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી.નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે શનિવારે પીટીઆઈને જણાવ્યું કે, ‘આ ઘટનામાં 10 નવજાત બાળકોના મોત થયા છે. ઝાંસી મેડિકલ કોલેજના અન્ય વોર્ડમાં 16 બાળકોની સારવાર ચાલી રહી છે.
ઘણા બાળકોની સારવાર ચાલુ
તેમણે જણાવ્યું હતું કે આ ઘટના ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટને કારણે બની હતી અને ખાતરી આપી હતી કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) સુધા સિંહે શનિવારે સવારે પત્રકારોને જણાવ્યું હતું કે 16 ઘાયલ બાળકોની સારવાર કરવામાં આવી રહી છે અને તેમના જીવ બચાવવાના પ્રયાસો ચાલુ છે. તેમણે કહ્યું કે તેમના માટે તમામ ડોકટરો ઉપલબ્ધ છે અને પર્યાપ્ત તબીબી સુવિધાઓ છે.