હેડલાઈન :
- દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા પોલીસની મોટી કાર્યવાહી
- ગેરકાયદેસર ઘુસેલા બાંગ્લાદેશીઓને લઈ કરી કાર્યવાહી
- ઘૂસણખોરોની મતદાર કાર્ડ બનાવનાર ગેંગનો પર્દાફાશ કર્યો
- દિલ્હી પોલીસે કાર્ડ બનાવનાર ગેંગના 11 લોકોની ધરપકડ કરી
- ઘટના સ્થળેથી વાંધાજનક સામગ્રી અને દસ્તાવેજો પણ જપ્ત
- દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે.સક્સેનાના નિર્દેશ પર કાર્યવાહી
- ઉપરાજ્યપાલે મુખ્ય સચિવ-પોલીસ કમિશનરને આપ્યો હતો આદેશ
દિલ્હી પોલીસે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશેલા બાંગ્લાદેશી ઘૂસણખોરોના મતદાર કાર્ડ બનાવનાર ગેંગનો પર્દાફાશ કર્યો છે અને 11 લોકોની ધરપકડ પણ કરી છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. દિલ્હી પોલીસે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશેલા બાંગ્લાદેશી ઘૂસણખોરોના મતદાર કાર્ડ બનાવનાર ગેંગનો પર્દાફાશ કર્યો છે અને 11 લોકોની ધરપકડ પણ કરી છે. પોલીસે ઘટના સ્થળેથી ઘણી વાંધાજનક સામગ્રી અને દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે.
દક્ષિણ દિલ્હીના DCP એ જણાવ્યુ કે આ ટોળકી બાંગ્લાદેશી ઘૂસણખોરોને ભારતીય નાગરિક બનાવવાના કાવતરામાં વ્યસ્ત હતી.આ ટોળકી નકલી રીતે ગેરકાયદે ઘૂસણખોરોના મતદાર કાર્ડ,આધાર કાર્ડ અને અન્ય સરકારી દસ્તાવેજો બનાવે છે.ડીસીપીએ કહ્યું કે ગેંગના જે 11 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે તેમાં આધાર ઓપરેટર અને ટેકનિકલ નિષ્ણાતો પણ સામેલ છે.આ તમામ નકલી વેબસાઇટ્સ અને ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને બાંગ્લાદેશી ઘૂસણખોરોના દસ્તાવેજો બનાવે છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારી અનુસાર આરોપીઓ ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા બાંગ્લાદેશીઓને ઓળખ કાર્ડ આપતા હતા.આ લોકો સામાન્ય રીતે જંગલો અને એક્સપ્રેસ ટ્રેનો દ્વારા ભારતમાં પ્રવેશતા હતા. આરોપીઓએ બનાવટી વેબસાઈટ દ્વારા નકલી દસ્તાવેજો તૈયાર કર્યા હતા,જેથી બાંગ્લાદેશી નાગરિકો કોઈપણ કાયદાકીય પ્રક્રિયા વિના ભારતીય ઓળખ કાર્ડ મેળવી શકે.
નોંધનિય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા જ ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મામલો ગરમાયો છે. આ વિશેષ કાર્યવાહી દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે.સક્સેનાના નિર્દેશ પર કરવામાં આવી રહી છે.ઉપરાજ્યપાલે મુખ્ય સચિવ અને પોલીસ કમિશનરને આદેશ આપ્યો હતો કે તેઓ દિલ્હીમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી વસાહતીઓની ઓળખ કરવા અને તેમની સામે કડક કાર્યવાહી કરવા માટે વિશેષ ઓપરેશન શરૂ કરે.આ સંદર્ભે પોલીસે સઘન સર્ચ ઓપરેશન ચલાવ્યું છે.શંકાસ્પદ લોકોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.આ લોકોના નકલી દસ્તાવેજો બનાવવામાં કયા અધિકારીઓ સામેલ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.