દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટેની ચૂંટણીના પરિણામો હવે સ્પષ્ટ થઈ રહ્યા છે. ૨૭ વર્ષ પછી, ભાજપ દિલ્હીમાં સત્તામાં પરત ફરવા જઈ રહી છે. દિલ્હી ભાજપ કાર્યાલયમાં ભાજપના સમર્થકો ઉજવણી કરી રહ્યા છે. દરમિયાનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જૂઠાણાનું શાસન સમાપ્ત થઈ ગયું છે. આ અહંકાર અને અરાજકતાનો પરાજય છે.
મોદીના નેતૃત્વમાં, ભાજપ પોતાના બધા વચનો પૂરા કરી દિલ્હીને વિશ્વની નંબર 1 રાજધાની બનાવવા કટિબદ્ધ છે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયામાં લખ્યું, દિલ્હીમાં જુઠ્ઠાણાનું શાસન સમાપ્ત થઈ ગયું છે. આ ઘમંડ અને અરાજકતાનો પરાજય છે. આ ‘મોદી કી ગેરંટી’ અને દિલ્હીના લોકોના મોદીના વિકાસના વિઝનમાં વિશ્વાસનો વિજય છે. આ પ્રચંડ જનાદેશ માટે દિલ્હીના લોકોનો હૃદયપૂર્વક આભાર. મોદીના નેતૃત્વમાં, ભાજપ પોતાના બધા વચનો પૂરા કરવા અને દિલ્હીને વિશ્વની નંબર 1 રાજધાની બનાવવા માટે કટિબદ્ધ છે.
તેમણે એમ પણ કહ્યું કે આજે દિલ્હીના લોકોએ બતાવી દીધું છે કે વારંવાર ખોટા વચનો આપીને જનતાને ગેરમાર્ગે દોરી શકાતી નથી. જનતાએ પોતાના મતોથી ગંદી યમુના, ગંદું પીવાનું પાણી, તૂટેલા રસ્તાઓ, ઉભરાતી ગટરો અને દરેક શેરીમાં ખુલેલી દારૂની દુકાનોનો પ્રતિભાવ આપ્યો છે. દિલ્હીમાં આ ભવ્ય વિજય માટે દિવસ-રાત મહેનત કરનારા તમામ ભાજપ કાર્યકરોને અભિનંદન. મહિલાઓ માટે આદર હોય, અનધિકૃત વસાહતના રહેવાસીઓનું આત્મસન્માન હોય કે સ્વરોજગારની અપાર શક્યતાઓ હોય, દિલ્હી હવે મોદીના નેતૃત્વમાં એક આદર્શ રાજધાની બનશે.
આ દિલ્હીમાં વિકાસ અને વિશ્વાસના નવા યુગની શરૂઆત છે
આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે દિલ્હીના લોકોએ જૂઠાણા, કપટ અને ભ્રષ્ટાચારના ‘શીશમહેલ’નો નાશ કરીને દિલ્હીને ‘આપ-દા’ મુક્ત બનાવવાનું કામ કર્યું છે. દિલ્હીએ વચન તોડનારાઓને એવો પાઠ ભણાવ્યો છે કે તે દેશભરમાં જનતાને ખોટા વચનો આપનારાઓ માટે એક ઉદાહરણ બેસાડશે. આ દિલ્હીમાં વિકાસ અને વિશ્વાસના નવા યુગની શરૂઆત છે