દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપએ ફરી સત્તા મેળવી છે. આ લખાય છે ત્યારે કૂલ 70 બેઠકોમાંથી ભાજપે 40 બેઠકો જીતી લીધી છે અને તે 8 બેઠકો પર સરસાઇ ધરાવે છે, આપએ 18 બેઠકો જીતી લીધી છે અને તે 4 બેઠકો પર સરસાઇ ધરાવે છે. જ્યારે કોંગ્રેસ ફરી એક વાર એક પણ બેઠક જીતવામાં સફળ થયું નથી.
આ ચૂંટણીમાં આપના દિગ્ગજોનો ઘોર પરાજય થયો
આ ચૂંટણીમાં આપના દિગ્ગજો અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને સોમનાથ ભારતી ચૂંટણી હારી ગયા છે. માત્ર સીએમ આતિશી પોતાની બેઠક જાળવી શક્યા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે કેજરીવાલ, સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેલમાં ગયા હતા. દિલ્હીની જનતાએ જેલમાં ગયેલા નેતાઓને બહારનો રસ્તો બતાવ્યો છે.
ભાજપે શરૂઆતથી જ જોરદાર તૈયારીઓ કરી હતી
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ ભાજપે દિલ્હીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે બૈજયંત પાંડાને ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પાર્ટીએ અતુલ ગર્ગને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કર્યા અને બંનેને દિલ્હી ચૂંટણીને લગતી મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ ઉપરાંત દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે છેલ્લા દિવસ સુધી પોતાની બધી તાકાત લગાવી દીધી અને એક અલગ રણનીતિ અપનાવી હતી. જ્યારે કોંગ્રેસને કારણે, ચૂંટણી સ્પર્ધા ત્રિકોણીય બની ગઈ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટીની સરકારને ‘આપત્તિ’ ગણાવી અને દિલ્હીને હરિયાણાથી કથિત રીતે ઝેરી પાણી મળવાના મુદ્દા પર કેજરીવાલને ઘેરી લીધા હતા. બીજી તરફ, ગૃહમંત્રી અમિત શાહે 12 રેલીઓ અને 4 રોડ શો કરીને ભાજપની તરફેણાં વાતાવરણ ઉભું કર્યું. ભાજપ ત્રણ હજારથી વધુ નક્કડ સભાઓ અને યુવા ચૌપાલ અને મહિલા ડ્રોઇંગ રૂમ મીટિંગ્સ જેવી પ્રવૃત્તિઓ દ્વારા મતદારો સુધી પહોંચ્યું હતું.
ભાજપે સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી
પીએમ મોદીની ચાર રેલીઓ ઉપરાંત, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, શિવરાજ સિંહ ચૌહાણ જેવા અનેક કેન્દ્રીય મંત્રીઓએ પ્રચાર કર્યો. યુપી, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને આસામ સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓએ પણ રોડ શો અને સભાઓ યોજી હતી. આ ઉપરાંત, NDAના તમામ સાંસદોને પ્રચારમાં જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે દિલ્હીના 256 મંડળોમાંથી દરેકમાં એક સાંસદને પ્રચારની જવાબદારી સોંપવામાં આવશે. આ ઉપરાંત, દિલ્હીની ચૂંટણીમાં, ભાજપે જેડીયુ અને એલજેપી (રામ વિલાસ) સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી હતી. શિવસેના સહિત અન્ય પક્ષોએ પણ ભાજપને ટેકો આપ્યો, જેનાથી ગઠબંધન મજબૂત થયું.
દિલ્હીને 10 દિવસમાં નવા મુખ્યમંત્રી મળશેઃ જય પાંડા
દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકાર બન્યા બાદ મુખ્યમંત્રી પદ અંગે અટકળો તેજ થઈ ગઈ છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજયંત જય પાંડાએ કહ્યું છે કે આગામી 10 થી 15 દિવસમાં દિલ્હીને નવા મુખ્યમંત્રી મળશે. જય પાંડાએ કહ્યું કે, અમારી પાસે સામૂહિક નેતૃત્વ છે અને મુખ્યમંત્રીની પસંદગી એક પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. તેમણે એ વાત ભાર મૂક્યો કે દિલ્હીમાં હવે ‘ડ્રામા પોલિટિક્સ’ને મંજૂરી આપવામાં આવશે નહીં અને સરકાર વિકાસના એજન્ડા પર કામ કરશે.