હેડલાઈન :
- નેપાળમાં ધીરે ધીરે ઉઠી રહેલી હિન્દુ રાષ્ટ્રની માંગ
- નેપાળમાં રાજો આવો,દેશ બચાવોના નારા-બેનરો
- લોકોએ હિન્દુ રાષ્ટ્ર પરત લાવવા નારા લગાવ્યા
- વર્ષ 2015માં નેપાળે પોતાનું નવું બંધારણ લાગુ કર્યુ
- નવા બંધારણ અનુસાર નેપાળ હિન્દુ રાષ્ટ્ર ન રહ્યું
- હિન્દુ રાષ્ટ્રને બદલે નેપાળ બંધારણીય રીતે ધર્મનિરપેક્ષ બન્યું
- ડાબેરી સરકાર સામે નેપાળી લોકોનો ગુસ્સો શેરીઓમાં ગુંજ્યો
સપ્ટેમ્બર 2015 માં નેપાળે તેનું નવું બંધારણ લાગુ કર્યું અને આ બંધારણમાં જાહેર કરવામાં આવ્યું કે નેપાળ હવે હિન્દુ રાષ્ટ્ર રહેશે નહીં.ત્યારે જ નેપાળ બંધારણીય રીતે ધર્મનિરપેક્ષ રાજ્ય બન્યું.
– નેપાળમાં હિન્દુ રાષ્ટ્રની માંગ કેમ જોર પકડી રહી છે?
આ દિવસોમાં નેપાળમાં ‘રાજા આવો,દેશ બચાવો’ ના નારા લગાવવામાં આવી રહ્યા છે.ડાબેરી સરકાર સામે લોકોનો ગુસ્સો શેરીઓમાં ઉકળી રહ્યો છે.અહીં હિન્દુ રાષ્ટ્ર અને રાજાશાહીની માંગ વેગ પકડી રહી છે.આનાથી નેપાળની વર્તમાન સરકારમાં ચિંતા ફેલાઈ છે અને નેપાળના ડાબેરી વડાપ્રધાન કે.પી.ઓલી આ વિરોધ પ્રદર્શનોને અલોકતાંત્રિક અને સ્થાપના વિરોધી ગણાવી રહ્યા છે.તો ચાલો જાણીએ કે નેપાળમાં હિન્દુ રાષ્ટ્રની માંગ કેમ વેગ પકડી રહી છે?
નેપાળમાં છેલ્લા દોઢ દાયકાથી લોકશાહી સરકાર છે.તે પહેલાં અહીં રાજાશાહી શાસન અને હિન્દુ રાષ્ટ્ર હતું. સપ્ટેમ્બર 2015 માં નેપાળે તેનું નવું બંધારણ લાગુ કર્યું અને આ બંધારણમાં જાહેર કરવામાં આવ્યું કે નેપાળ હવે હિન્દુ રાષ્ટ્ર રહેશે નહીં.ત્યારે જ નેપાળ બંધારણીય રીતે ધર્મનિરપેક્ષ રાજ્ય બન્યું.
નેપાળમાં આવી જાહેરાત ત્યારે કરવામાં આવી જ્યારે હિન્દુ રાષ્ટ્રની વાત કરતી ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકાર ભારતમાં પહેલેથી જ રચાઈ ચૂકી હતી.2006 માં પણ તત્કાલીન ભાજપ પ્રમુખ રાજનાથ સિંહે નેપાળને ચેતવણી આપી હતી કે તેમણે માઓવાદીઓના દબાણમાં આવીને હિન્દુ રાષ્ટ્ર તરીકેની પોતાની ઓળખ ગુમાવવી જોઈએ નહીં.
નેપાળ 1962 ના બંધારણ હેઠળ એક હિન્દુ રાષ્ટ્ર બન્યું હતું અને તેને બનાવનાર રાજા મહેન્દ્ર હતા.નેપાળમાં રાજાશાહીના અંત પછી બંધારણીય વ્યવસ્થાનો પાયો નાખતા નેપાળ એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર તરીકે સ્થાપિત થયું. અગાઉ, રાજાશાહી દરમિયાન, નેપાળ 2008 સુધી હિન્દુ રાષ્ટ્ર હતું. પરંતુ હવે નેપાળના લોકો આ ધર્મનિરપેક્ષ સરકાર પરથી વિશ્વાસ ગુમાવી રહ્યા છે.જનતા ફરી એકવાર રાજાશાહી અને હિન્દુ રાષ્ટ્રની માંગ કરી રહી છે.
– લોકો રાજાશાહી અને હિન્દુ રાષ્ટ્ર કેમ પાછું ઇચ્છે છે?
9 માર્ચ,2025 ના રોજ નેપાળના ભૂતપૂર્વ રાજા,રાજા જ્ઞાનેન્દ્ર શાહનું કાઠમંડુમાં હજારો સમર્થકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું..આ સમય દરમિયાન સમર્થકોએ રાજાશાહી પુનઃસ્થાપિત કરવા અને હિન્દુ ધર્મને ફરીથી રાજ્ય ધર્મ બનાવવાની માંગ કરી.પશ્ચિમ નેપાળના પ્રવાસથી પરત ફરી રહેલા રાજા જ્ઞાનેન્દ્રનું સ્વાગત કરવા માટે તેમના લગભગ 10,000 સમર્થકોએ કાઠમંડુમાં ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાનમથકના મુખ્ય દરવાજાને અવરોધિત કર્યો હતો.
એવું જાણવા મળ્યું હતું કે ભીડમાં રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી RPP ના સભ્યો, કાર્યકરો અને સામાન્ય લોકોનો સમાવેશ થતો હતો.કેટલાક લોકોના હાથમાં સીએમ યોગીના પોસ્ટર પણ જોવા મળ્યા.આ પછી, નેપાળમાં તેને વેગ મળવા લાગ્યો છે લોકો નેપાળની ડાબેરી ધર્મનિરપેક્ષ લોકશાહી વ્યવસ્થાની વિરુદ્ધ છે.
જ્ઞાનેન્દ્રના સ્વાગત માટે રેલીમાં હાજર રહેલા લોકોએ કહ્યું કે તેઓ દેશને વધુ બગડતો અટકાવવા માટે રાજકીય વ્યવસ્થામાં પરિવર્તન ઇચ્છે છે.રાજકીય નિષ્ણાતો કહે છે કે નેપાળના રાજકારણમાં આ ‘રાજાશાહી તરફનો વળાંક’ ભ્રષ્ટ સરકારો સામે ઊંડો અસંતોષ વ્યક્ત કરી રહ્યો છે.
વર્ષ 2008 માં સંસદે નેપાળના હિન્દુ રાજાશાહીને નાબૂદ કરવા માટે મતદાન કર્યું.ત્યારથી નેપાળમાં 13 સરકારો સત્તામાં આવી છે અને દેશના ઘણા લોકો પ્રજાસત્તાકથી નિરાશ છે.તેમનું કહેવું છે કે આ બધું રાજકીય સ્થિરતા લાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે અને નેપાળની ઘટતી અર્થવ્યવસ્થા અને વ્યાપક ભ્રષ્ટાચાર માટે સરકારો જવાબદાર છે.
નિષ્ણાતો એવું પણ માને છે કે ભારતના દરેક પક્ષ અને વિચારધારાનો નેપાળમાં પ્રભાવ છે. નેપાળ પર હિન્દુત્વના પ્રભાવને પણ આ સાથે જોડવામાં આવી રહ્યો છે.
– નેપાળનું ધાર્મિક માળખું
નેપાળના સેન્ટ્રલ ડેમોગ્રાફિક બ્યુરો દ્વારા રજૂ કરાયેલ 2021 ની વસ્તી ગણતરીનો અહેવાલ દર્શાવે છે કે દેશમાં સૌથી મોટો ધર્મ હિન્દુ ધર્મ છે.આ વસ્તી ગણતરીમાં નેપાળમાં હિન્દુઓની વસ્તી 81.19 ટકા હતી.નેપાળમાં બીજો સૌથી વધુ અનુસરવામાં આવતો ધર્મ બૌદ્ધ ધર્મ છે.
નેપાળમાં આ ધર્મના અનુયાયીઓ 8.2૮ ટકા હતા.જ્યારે નેપાળમાં 14,83060 લોકો ઇસ્લામનું પાલન કરતા હતા અને તેઓ કુલ વસ્તીના 5.09 ટકા હતા.જોકે આ અહેવાલ મુજબ છેલ્લા દાયકામાં હિન્દુઓ અને બૌદ્ધોની વસ્તીમાં ઘટાડો થયો છે, જ્યારે મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને કિરાતની સંખ્યામાં વધારો થયો છે.