હેડલાઈન :
- ભૂકંપગ્રસ્ત મ્યાનમારને મદદ કરવા માટે ભારતનું ‘ઓપરેશન બ્રહ્મા’
- મ્યાનમારને મદદ કરવા ભારતે યાંગોનમાં 15 ટન રાહત સામગ્રી પહોંચાડી
- ભારતીય વાયુસેનાનું C-130J વિમાન રાહત સામગ્રી સાથે યાંગોન પહોંચ્યું
- તંબુ,ધાબળા,સ્લીપિંગ બેગ,ફૂડ પેકેટ,સ્વચ્છતા કીટ,દવાઓનો સમાવેશ
- મ્યાનમાર,નેપાળ કે તુર્કી હોય.કુદરતી આપત્તિના સમયે ભારતની મદદ
ભૂકંપગ્રસ્ત મ્યાનમારને મદદ કરવા માટે ભારતે શનિવારે ‘ઓપરેશન બ્રહ્મા’ હેઠળ યાંગોનમાં 15 ટન રાહત સામગ્રી પહોંચાડી.ભારતીય વાયુસેનાનું C-130J વિમાન શનિવારે આ રાહત સામગ્રી સાથે યાંગોન પહોંચ્યું.આમાં તંબુ, ધાબળા,સ્લીપિંગ બેગ,ફૂડ પેકેટ, સ્વચ્છતા કીટ,જનરેટર અને આવશ્યક દવાઓનો સમાવેશ થાય છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે વિશ્વમાં કોઇ પણ દેશમાં કોઇ પણ કુદરતી આપત્તિ આવી છે ત્યારે ભારતે હમેંશા સહાય મોકલી છે પછી એ મ્યાનમાર હોય, નેપાળ કે તુર્કી હોય.કુદરતી આપત્તિના સમયે ભારત જે તે દેશ સાથે પોતાનો કેવો સંબંધ છે એ ધ્યાનમાં લીધા વગર હમેંશા સહાય પહોંચાડવામાં તત્પર રહે છે.
– ભારતે નેપાળને માળખાકીય સુવિધાઓના પુનઃનિર્માણ માટે $7.5 કરોડની સહાય મોકલી
નવેમ્બર 2024માં નેપાળમાં 6.4ની તીવ્રતાના ભૂકંપથી 128 લોકો માર્યા ગયા હતા અને ઓછામાં ઓછા 141 ઘાયલ થયા હતા. એ વખતે ભારતે નેપાળના પશ્ચિમ જિલ્લાના ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓના પુનઃનિર્માણ માટે $7.5 કરોડની સહાય મોકલવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ભૂકંપથી પ્રભાવિત લોકોને 200 પ્રિફેબ્રિકેટેડ મકાનો, 1200 ધાબળા, 150 ટેન્ટ અને 2000 સ્લીપિંગ બેગ મોકલવામાં આવી હતી.
– તુર્કી-સીરિયાના ભૂકંપ પીડિતોને મદદ કરવા ભારતે ‘ઓપરેશન દોસ્ત’ શરૂ કર્યું
ફેબ્રુઆરી 2023માં તુર્કી-સીરિયામાં વિનાશક ભૂકંપ આવતા હજારો લોકોના મોત થયા હતા. તુર્કી-સીરિયાના ભૂકંપ પીડિતોને મદદ કરવા ભારતે ‘ઓપરેશન દોસ્ત’ શરૂ કર્યું હતું. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનો ઉપરાંત મેડિકલ ટીમને મોકલ્યા પછી જીવનજરૂરી સામગ્રી તુર્કી-સીરિયાના ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં મોકલી દીધી. કરોડો રૂપિયાની ભારતની મદદ પછી તુર્કીએ આભાર માનતા કહ્યું હતું કે તુર્કી આ સહાયને ક્યારેય નહીં ભૂલે. ભારત સ્થિત તુર્કીના રાજદૂતે એકથી વધુ વખત નિવેદનો આપીને આભાર માન્યો છે. તુર્કીમાં વિનાશક ભૂકંપ પછી સહાય જાહેર કરનારો ભારત પહેલો દેશ હતો.
-કોરોના મહામારી વિરુદ્ધ ભારતનું વૈશ્વિક નેતૃત્વ પ્રશંસાને પાત્રઃ UN
વૈશ્વિક કોરોના મહામારી વખતે ભારતીય નેતૃત્વના માનવીય દ્રષ્ટિકોણ અને વેક્સીનની મદદ પર સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સમુદાયોએ ભારતનો ભારોભાર આભાર વ્યક્ત કર્યો હતો. એ વખતે સંયુક્ત રાષ્ટ્ર-UN સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુતરેસે કહ્યું હતું કે કોરોના વિરુદ્ધ લડાઇમાં ભારતે વૈશ્વિક દયા દાખવી છે. ભારતે કોરોના મહામારી દરમિયાન પ્રભાવશાળી કાર્ય કર્યું. વૈશ્વિક મહામારીના સમયમાં આંતરરાષ્ટ્રીય સમુદાયો માટે જરુરી દવાઓ, ટેસ્ટિંગ કિટ્સ, પીપીઇ કિટ્સ અને વેન્ટિલેટર 150 દેશોમાં જે રીતે સપ્લાય કર્યા હતા, એ ખરેખર પ્રશંસાને પાત્ર છે. આવુ કાર્ય કોઇ સક્ષમ દેશ જ કરી શકે.
– અન્ય કયા કયા દેશોને ભારતે સહાય મોકલી
આ ઉપરાંત ભારતે ભૂતકાળમાં પાકિસ્તાન, ભૂતાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, મોઝામ્બિક, ઝિમ્બાબ્વે, વનુઆતુ, ફિજી અને યમનને પણ કુદરતી આપત્તિ વખતે સહાય મોકલી છે.