ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડા બાદ સૌરાષ્ટ્ર સહિતના પંથકોમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. જેમાં ખેડૂતોના પાક ધોવાઈ ગયા છે અને ખેતરો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. સતત વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાકને પાણી લાગી ગયું છે, તેને બચાવવા માટે યુરિયા ખાતરનો છંટકાવ જરૂરી છે. જેથી ખેડૂતોને યુરિયા ખાતર ત્વરિત ધોરણે પૂરુ પાડવામાં આવે અને અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે સહિતની માગ સાથે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે
પત્રમાં જણાવ્યું છેકે, રાજ્યના કૃષિમંત્રીએ ત્રણ દિવસ પહેલા જાહેર માધ્યમોને સંબોધતા કહ્યું હતું કે “રાજ્યમાં યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે” ત્યારે સવાલ એ છે કે જો રાજ્યમાં યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોય તો યુરિયા ગયું ક્યાં ? છેલ્લા 15 દિવસથી તો ખેડૂતો યુરિયા માટે લાઈનમાં ઉભા છે તો આ યુરિયા સરકારે કોને ધાબડી દીધું ? સરકારે પહેલા ઉદ્યોગકારોને ખૂબ જ કિંમતી સરકારી ખરાબાઓ અને ગૌચરની જમીનો આપી, તેના પર ઉદ્યોગ ઉભો કરવા લોનો આપી અને હવે ખેડૂતોના ભાગનું યુરિયા ખાતર સરકાર કેમિકલ ઉદ્યોગમાં તો આપી દેતી હોય તેવી પુરી શક્યતાઓ છે. જો સરકાર પાસે જથ્થો પૂરતો હોય તો સહકાર ક્ષેત્રની સંસ્થાઓ દ્વારા તાત્કાલિક વિતરણ કરવું જોઈએ
રાજ્યમાં બીપોરજોય વવાજોડાએ બાગાયતી પાકોને ખૂબ મોટું નુકસાન કર્યા પછી અતિવૃષ્ટિએ ખેડૂતોને ખૂબ મોટું નુકશાન કર્યું છે ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસની માગ છે કે રાજ્યમાં તાત્કાલિક યુરિયા ખાતર ખેડૂતોને પૂરું પાડવામાં આવે. કેમિકલ ઉદ્યોગમાં સરકારે યુરિયા ખાતર આપવાનું બંધ કરવું જોઈએ. કૃષિમંત્રીએ અભ્યાસ કરીને નિવેદન આપવું જોઈએ.બીપોરજોય વવાજોડાગ્રસ્ત વિસ્તારમાં બાગાયતી પાકોમાં લાંબાગાળાની 0% વ્યાજે લોન આપવી જોઈએ.
આ ઉપરાંત માછીમાર ભાઈઓને બેઠા કરવા સરકારે 0% વ્યાજે લાંબા ગાળા ની લોન આપવી જોઈએ. અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારમાં લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ. અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારમાં ખેડૂતોને હેકટરદિઠ 50,000 હજારની સહાય આપવી જોઈએ. સરકાર ઘાસ ચારાના ગોડાઉન માલધારીઓ માટે ખુલ્લા મૂકી દેવા જોઈએ. ઘેડ વિસ્તારમાં સરકારે સર્વે કર્યા વગર જ સહાય જાહેર કરી તાત્કાલિક ચૂકવવી જોઈએ. માલધારીઓના જે પશુઓ તણાઈ ગયા છે તેના PM રિપોર્ટ ન માંગવા જોઈએ. ખેડૂતોના પાક સામે રક્ષણ મળે તેવી કોઈ યોજના સરકાર પાસે અત્યારે ઉપલબ્ધ નથી ત્યારે સરકાર જ ખેડૂતોને મદદ કરે તેવી રાહ જોઇને પીડિત લોકો બેઠા છે ત્યારે સરકારે પીડિત લોકોની વહારે આવવું જોઈએ અને જ્યાં ખેડૂતોને યુરિયા ખાતરની જરૂરિયાત છે તેમને તાત્કાલિક યુરિયા ખાતર પૂરું પાડવું જોઈએ તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની માગણી છે .