12 સાયન્સનું પુરક પરીક્ષાનું પરિણામ જાહેર થતાં નવા પાસ થયેલા વિદ્યાર્થીઓ અને અગાઉ ચુકી ગયેલા સહિતના તમામ વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટીની UGની ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત B.Sc માટે 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી નવું રજિસ્ટ્રેશન થશે અને રીશફલિંગ કમ સેકન્ડ રાઉન્ડ કરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 29 જેટલી કોલેજોમાં ખાલી બેઠકો માટે હવે બીજો રાઉન્ડ કરવામા આવનાર છે. જો કે તે પહેલા યુનિવર્સિટીની સાયન્સ પ્રવેશ સમિતિ દ્વારા નવું રજિસ્ટ્રેશન કરાવવામાં આવશે. આ માટે આજે કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. જે મુજબ 28થી 30 જુલાઈ દરમિયાન જુના એટલે કે અગાઉ રજિસ્ટર્ડ થયેલા વિદ્યાર્થીઓએ રિશફલિંગ રાઉન્ડમાં ભાગ લેવા માટે કન્સેન્ટ આપવાની રહેશે. જ્યારે 31 જુલાઈથી નવું ઓનલાઈન રજિસ્ટ્રેશન થશે અને બે ઓગસ્ટ સુધી ચાલશે.
31 જુલાઈથી બીજી ઓગસ્ટ સુધી નવા રજિસ્ટર્ડ થનારા અને જુના રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓ સહિત તમામે ચોઈસ ફિલિંગ કરવાનું રહેશે. 8 ઓગસ્ટે ફાઈનલ મેરિટ લિસ્ટ જાહેર થશે. 10 ઓગસ્ટે સાંજે કોલેજ-સીટ એલોટમેન્ટ થશે. 11થી 14 ઓગસ્ટ વિદ્યાર્થીએ ફી ભરવાની રહેશે.
જણાવી દઈએ કે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 29 જેટલી કોલેજોમાંની 9 હજાર જેટલી બેઠકોમાંથી પ્રથમ રાઉન્ડના અંતે પાંચ હજારથી વધુ બેઠકો ખાલી રહી છે ત્યારે ખાલી બેઠકો માટે હવે બીજો રાઉન્ડ કરવામા આવનાર છે.