ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં આજે એક દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. પોલીસે જણાવ્યું હતું કે જે એમ્બ્યુલન્સમાં પરિવારના મોભીના મૃતદેહને ઘરે લાવવામાં આવી રહ્યો હતો તેને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. થયેલા અકસ્માતમાં તે પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા. તેમણે જણાવ્યું કે પૂર્વા કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ બિલેશ્વર મંદિર પાસે બનેલી આ ઘટનામાં પરિવારનો અન્ય એક સભ્ય ગંભીર રીતે ઘાયલ થયો હતો.
અહીંના મૌરવાનના રહેવાસી ધનીરામ સવિતા, કાનપુરની હેલેટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા અને તેમના પરિવારના સભ્યો તેમના મૃતદેહને એમ્બ્યુલન્સમાં ઘરે લાવી રહ્યા હતા. ઘરે જતી વખતે એમ્બ્યુલન્સને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. ધનીરામ સવિતાની પત્ની પ્રેમા અને પુત્રીઓ મંજુલા, અંજલિ અને રૂબીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું અને બીજી પુત્રી સુધા ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ઉન્નાવ મોકલવામાં આવ્યા છે અને સુધા કાનપુરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એમ્બ્યુલન્સનો ચાલક સુરક્ષિત છે પીડિતાના પરિવારજનોની ફરિયાદના આધારે આ ઘટનાના સંબંધમાં કેસ નોંધવામાં આવ્યો છે. સ્થાનિકોએ જણાવ્યું કે તેઓએ જોરદાર અવાજ સાંભળ્યો અને એમ્બ્યુલન્સને ટક્કર મારનારને શોધવા માટે સ્થળ પર દોડી ગયા.સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.એમ્બ્યુલન્સમાં બેઠેલા લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા, પરંતુ જ્યાં સુધી પોલીસે તેમને બહાર કાઢ્યા ત્યાં સુધીમાં તેમાંથી ચારના મોત થઈ ચૂક્યા હતા.