ખેડા તાલુકાના મહિજ ગામેથી પસાર થતી મેશ્વો કેનાલમાં નહાવા પડેલા ત્રણમાંથી બે વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ બંને વિદ્યાર્થીઓ અમદાવાદમાં હાથીજણ સર્કલ પાસેની રાધેશ્યામ હાઉસિંગ સોસાયટીમાં રહે છે. બે મૃતક વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી 10માં ધોરણમાં ભણતો હતો અને બીજો 11માં ધોરણ માં ભણતો હતો.
અમદાવાદના હાથીજણ સર્કલ પાસે આવેલ રાધેશ્યામ હાઉસિંગમાં રહેતો પ્રાંજલ જયસ્વાલ નામનો વિદ્યાર્થી શુક્રવારે ધોરણ-10ની રિપિટ પરીક્ષાનું રિઝલ્ટ સ્કૂલમાં ગયો હતો. જ્યાંથી એક જ સોસાયટીમાં રહેતો તેનો મિત્ર મોહિત ભગત અને સચિન રાજપૂત ત્રણેય મિત્રો બાઇક લઇને મહિજ ગામે મેશ્વો કેનાલમાં ન્હાવા માટે ગયા હતા. જેમાંથી બે વિદ્યાર્થીઓ મોટી કેનાલમાં ગયા હતા જ્યાં તેઓ ડૂબવા લાગ્યા હતા.
ત્રીજો મિત્ર સચિને બુમાબુમ કરતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા પરંતુ લોકોને આવતા આવતા બન્ને વિદ્યાર્થીઓના જીવ જતા રહ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ બાળકોની શોધખોળ આદરી હતી. સરપંચ અને અન્ય આગેવાનો સ્થળ ઉપર આવ્યા હતા અને કેનાલના અધિકારી પણ દોડી આવ્યા હતા આખરે સ્થાનિક તરવૈયાઓની શોધખોળ બાદ પ્રાંજલ તથા મોહિતના મૃતદેહ મળી આવ્યા હતા બાદમાં પોલીસ કાર્યવાહી દ્વારા ખેડા સિવિલ દવાખાને પી.એમ માટે મૃતદેહ લવાયા હતા.