ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની વિશ્વની અગ્રગણ્ય ઉત્પાદક કંપની ‘ફોકસકોન’ના ચેરમેન યુત યંગ લિયુએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત બેઠક યોજી હતી. ગુજરાતને આંગણે યોજાઇ રહેલી સેમીકોન ઇન્ડિયા 2023માં સહભાગી થવા આવેલા ફોકસકોનના ચેરમેન પ્રથમવાર ગુજરાત આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાત બેઠક દરમિયાન તેમણે ભારતમાં તેમની કંપનીના ઉત્પાદન પ્લાન્ટની સ્થાપના માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમને ગુજરાતે જાહેર કરેલી ‘સેમી કન્ડક્ટર પોલીસી 2022-27’ માં મળતા લાભો અને અન્ય પ્રોત્સાહનોની વિગતો બેઠક દરમિયાન આપી હતી.
ગુજરાત દેશનું સેમિકન્ડક્ટર હબ બનવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સજ્જ છે એમ પણ તેમણે જણાવ્યું હતું. ફોક્સકોનના ચેરમેને ગુજરાત તેમના સંભવિત રોકાણોમાં અગ્રસ્થાને રહેશે તેમ આ તકે જણાવ્યું હતું. મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને સાયન્સ ટેકનોલોજી સચિવ વિજય નેહરા આ બેઠકમાં જોડાયા હતા.