ઝારખંડના પશ્ચિમ સિંહભૂમમાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટરમાં બે જવાનોએ વીરગતિ પ્રાપ્ત કરી છે. શહીદોમાં એક સબ ઈન્સ્પેક્ટર અને એક કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, પશ્ચિમ સિંહભૂમના ટોંટો પોલીસ સ્ટેશન વિસ્તારના તુમ્બહાકા વિસ્તારમાં સોમવારે સાંજે એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ વિસ્તાર કોલ્હાન જંગલ વિસ્તાર હેઠળ આવે છે.
આ એન્કાઉન્ટરમાં સબ ઈન્સ્પેક્ટર અમિત તિવારી અને હવાલદાર ગૌતમ કુમાર શહીદ થયા હતા. જેમાંથી શહીદ અમિત તિવારી 2012 બેચના છે. બંને ઝારખંડના જગુઆર ફોર્સમાં સામેલ હતા. ઝારખંડમાં આ પ્રકારની ઘટના પહેલીવાર નથી બની. આ પહેલા 31 મેના રોજ નક્સલવાદીઓએ પોલીસ ટીમને ઉડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ કોલ્હાન જંગલમાં ઓપરેશન હાથ ધરીને 11 IED બોમ્બ કબજે કર્યા હતા અને તેનો નાશ કર્યો હતો. ટોંટો પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના તુમ્બહાકા ગામ ઉપરાંત ગોઇલકેરા પોલીસ સ્ટેશન હેઠળના મરાદિરી, હાથીબુરુ, મેરલગડા ગામ અને છોટા કુઈડા વિસ્તારમાંથી બોમ્બ મળી આવ્યા હતા.
સીપીઆઈ માઓવાદી નક્સલવાદી સંગઠનના મોટા નેતાઓ મિસીર બેસરા, અનમોલ, મોચુ, ચમન, કાંડે, અજય મહતો, સાગેન અંગારિયા, અશ્વિન આ જંગલોમાં તેમની ટુકડી સાથે ફરે છે. આ માહિતી મળ્યા બાદ જ સુરક્ષા દળોએ નક્સલવાદીઓ વિરુદ્ધ સતત અભિયાન શરૂ કર્યું હતું. સુરક્ષાદળોએ અનેક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ટોંટો પોલીસ સ્ટેશન હેઠળના તુમ્બહાકા ગામની આસપાસના જંગલવાળા પહાડી વિસ્તારમાં નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલા 5 પ્રેશર આઈઈડી બોમ્બમાંથી એક આઈઈડી બોમ્બ મળી આવ્યો હતો. જ્યારે ગોઈલકેરા પોલીસ સ્ટેશન હેઠળના મરાદિરી, હાથીબુરુ મેરલગાડા ગામ અને છોટા કુઈડા વિસ્તારમાંથી 5 પ્રેશર આઈઈડી બોમ્બ મળી આવ્યા હતા. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની મદદથી તમામ બોમ્બને સ્થળ પર સુરક્ષિત રીતે વિસ્ફોટ કરવામાં આવ્યા હતા.